શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 9 એપ્રિલ 2020 (15:38 IST)

એસવીપીની લેબોરેટરીને જ કોરોના ટેસ્ટની મંજૂરી ન મળી

મ્યુનિ.એ ૭૦૦ કરોડ જેટલા જંગી ખર્ચે ઉભી કરેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ(એસવીપી)માં આધુનિક સાધનો સાથેની લેબોરેટરી હોવા છતાં કોરોના વાયરસનો લેબોરેટરી ટેસ્ટ થતો નથી તેવી ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો રોગચાળો ફેલાવાની શરૂઆત થઇ ત્યારથી શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓને સિવિલ, સોલા સિવિલ અને એસવીપીમાં દાખલ કરવાનુ શરૂ કરાયુ હતું. જેમાં આજદિન સુધી એસવીપી હોસ્પિટલમાં જ કોરોના વાયરસનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતાં ૭૫૭ જેટલાં  દર્દીઓને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. એસવીપીમાં દાખલ થતાં દર્દીને કોરોના વાયરસની અસર થઇ છે કે નહિ તેની ચોક્કસ તપાસ માટે તેનાં સેમ્પલ લઇને સિવિલ હોસ્પિટલમાં મોકલવા પડે છે, જેનો રિપોર્ટ આવતાં બેથી ચાર દિવસ લાગી જતાં હોવાનુ જાણવા મળ્યુ છે. મ્યુનિ.એ કરોડો રૂપિયાનાં ખર્ચે ઉભી કરેલી મલ્ટીસ્પેશિયાલીટી અને મલ્ટીસ્ટોરીડ હોસ્પિટલમાં આધુનિક સાધનસામગ્રી સાથેની લેબોરેટરી તૈયાર કરવામાં આવેલી છે અને નિષ્ણાત સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. તેમ છતાં એસવીપીમાં કોરોના વાયરસનો લેબોરેટરી ટેસ્ટ કેમ થતો નથી તે અંગે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી કે, કોરોના વાયરસનાં દર્દીનાં સેમ્પલ લઇને લેબોરેટરી ટેસ્ટ કરવા માટે કેન્દ્ર સરકારની આઇસીએમઆર કમિટીની મંજૂરી મેળવવી પડે છે. આ કમિટીની મંજૂરી મેળવવા માટે મ્યુનિ.તંત્ર દ્વારા કેટલાય દિવસો પહેલા કાર્યવાહી પૂરી કરી દેવામાં આવી હતી અને તેનાં પગલે દિલ્હીથી કમિટીનાં સભ્યો એસવીપી હોસ્પિટલની મુલાકાતે આવ્યાં હતા તથા લેબોરેટરી વગેરેનુ નિરિક્ષણ કરી ગયાં હતા. જોકે હજુ સુધી કમિટીએ કોરોના ટેસ્ટ માટેની મંજૂરી આપી નથી તેના કારણે એસવીપીમાં દાખલ થતાં દર્દીઓનાં સેમ્પલ લઇને સિવિલમાં મોકલવા પડે છે. બીજી બાજુ સિવિલમાં પણ દાખલ થતાં દર્દીઓ અને મ્યુનિ. દ્વારા માસ કોરન્ટાઇન વિસ્તારો તેમજ મેડિકલ વાન-ટીમ દ્વારા લેવાતાં સેમ્પલ પણ સિવિલમા મોકલવામાં આવતાં સિવિલ હોસ્પિટલની લેબોરેટરી ઉપર ભારણ વધી ગયુ છે અને તેની અસર રિપોર્ટમાં વિલંબ સ્વરૂપે દેખાઇ રહી છે. એસવીપીમાં હાલની તારીખે ૧૩૯-૧૪૦ જેટલાં સેમ્પલનાં રિપોર્ટની રાહ જોવાઇ રહી છે તેમ મ્યુનિ.હેલ્થ ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું.