રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 જુલાઈ 2018 (18:21 IST)

તાપી શુધ્ધિકરણ માટે નાણાં ફાળવણીની સૈધ્ધાંતિક મંજૂરી

તાપી નદી સુરત શહેર માટે પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત છે


    ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નેશનલ રિવર કન્ઝરવેશન પ્રોગ્રામ અન્વયે સુરતની તાપી શુધ્ધિકરણના બીજા તબક્કા માટે રકમ ફાળવવાની સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. 
    અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે તાપી નદી સુરત શહેર માટે પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત છે. તેના કિનારાને અડીને આવેલા જુદા જુદા ગામો,નગરો અને સુરત શહેરનો ઉત્તરોત્તર વિકાસ થયેલ છે. તેના ભાગરૂપે તાપી નદીમાં જુદા–જુદા વિસ્તારની ખાડીઓ/આઉટ લેટસ મારફતે અશુધ્ધિઓ ભળવાના કારણે નદીમાં પાણીની ગુણવત્તાને અસર થતી હોઈ, તેના કાયમી અને લાંબાગાળાના નિરાકરણ માટે મુખ્યમંત્રીના આદેશ અનુસાર સુરત મહાનગરપાલિકાએ કન્સલટન્ટ પાસેથી ONGC બ્રીજથી ''સુડા'' ની હદ સુધીનો સુરત મહાનગરપાલિકા હસ્તકનો વિસ્તાર, સુરત મહાનગરપાલિકાની હદથી કામરેજ સુધીનો ''સુડા'' હસ્તકનો વિસ્તાર  અને ''સુડા'' ની હદ વિસ્તાર બાદ કાંકરાપાર વિયર સુધીનો રાજય સરકાર હસ્તકનો વિસ્તાર આવરી લઈને સમગ્ર વિસ્તાર માટે સુગ્રથિત આયોજન કરવાના હેતુસર  અંદાજીત રૂા.૯રર.૧૮ કરોડનો તાપી શુદ્ધિકરણ માસ્ટર પ્લાન તૈયાર કરાવ્યો છે.   
    આ માસ્ટર પ્લાન હેઠળ કાંકરાપાર વિયરથી સુરત શહેરના ONGC બ્રીજ સુધીના તાપી નદીમાં પડતાં મહત્વના ર૪ આઉટલેટસ્‌ને ઈન્ટરસેપ્ટ કરી તેના કલેકશન, ટ્રાન્સમીશન, ડીસ્પોઝલ અને  ટ્રીટમેન્ટનું આયોજન છે. ''સુડા'' વિસ્તારના કુલ ૧પ ફળિયા / ગામડા /નગરોને તથા રાજય સરકાર વિસ્તારનાં પ૯ જેટલા ફળિયા / ગામડા /નગરોને આવરી લઈ તેના ગંદા પાણીને નદીમાં ભળતા રોકવા માટે તેને ઈન્ટરસેપ્ટ કરી, આનુસાંગિક ડ્રેનેજ નેટવર્ક, સુએઝ પંપીગ સ્ટેશન, ટ્રાન્સમીશન લાઈન સહિત જરૂરીયાત મુજબ ટ્રીટમેન્ટ કરી તેના નિકાલ કરવાનું આયોજન છે. 
આ સમગ્ર ડી.પી.આર. અન્વયે જરૂરીયાત મુજબ ડાયવર્ઝન ડેમ, ગ્રેવીટી મેઈન, રાઈઝીંગ મેઈન, સુએઝ પંપીગ સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ડીસ્પોઝલ પાઈપ લાઈન નાંખવાનાં પ્રકલ્પો આવરી લેવામાં આવ્યા છે. 
આ મુજબ અંદાજે ર૦ર કિ.મી. ડ્રેનેજ નેટવર્ક, ૩૬ જેટલા સુએઝ પંપીગ સ્ટેશન તથા  ૩૧ જેટલા નાના મોટા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ તથા તેને સંલગ્ન અન્ય કામગીરીને આવરી લેવામાં આવી છે. જેમા રાજય સરકાર હસ્તકના વિસ્તારમાં પ૯ એમ.એલ.ડી., સુડા વિસ્તારનું ૩૦ર એમ.એલ.ડી. અને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ર૯૯ એમ.એલ.ડી. એમ ત્રણેય વિસ્તાર મળીને મહત્તમ ૬૬૦ એમ.એલ.ડી. જેટલુ  ગંદુ પાણી શુધ્ધ કરવાનું આયોજન છે. 
આ પ્રોજેકટનો ડી.પી.આર. રાજય સરકારે મંજુર કર્યો છે. તે કેન્દ્ર સરકારના નેશનલ રીવર કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ ગ્રાન્ટ મેળવવા માટે મોકલ્યો છે. NRCPની અદ્યતન નાણાંકીય સહાય પધ્ધતિ અનુસાર ૬૦:૪૦ (કેન્દ્ર સરકારઃ રાજય સરકાર + સ્થાનિક સ્વાયત સંસ્થા) ના રેશિયો મુજબ નાણાકીય સહાય મળે છે.  
    આ પ્રોજેકટ પૂર્ણ થતાં તાપી નદીમાં જુદા જુદા આઉટલેટસ તથા ખાડીઓ મારફતે ભળતુ અશુધ્ધ પાણી બંધ થશે અને  પાણીનુ પ્રદુષણ અટકશે તે જળસૃષ્ટિ માટે આર્શિવાદરૂપ રહેશે. નદીના રો વોટરની ગુણવત્તા માં સુધારો થશે. જેથીથ નાગરીકોને પુરા પાડવામાં આવતા પીવાના પાણીની શુધ્ધિકરણ પ્રક્રિયા સરળ બનશે. એટલું જ નહિ નદીને લાગુ અસરકર્તા ગામો તથા નગરો અને વસાહતોને સુગઠીત ડ્રેનેજ વ્યવસ્થાનો લાભ મળશે.
     આ સમગ્રતઃ કામગીરી સ્થળ સ્થિતિને અનુરૂપ તબકકાવાર હાથ ધરી ચાર થી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.