રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 જૂન 2022 (10:55 IST)

તિસ્તા સેતલવાડની સુપ્રીમના 2002નાં રમખાણો અંગેના ચુકાદાના એક દિવસ બાદ મુંબઈથી અટકાયત, મેડિકલ ટેસ્ટ માટે હૉસ્પિટલમાં લઈ જવાયાં

સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની ગુજરાત ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે મુંબઈથી અટકાયત કરી છે.
 
અટકાયત કર્યા બાદ તિસ્તા સેતલવાડને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદમાં આવેલી એસ.વી.પી. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.
 
સ્થાનિક મીડિયા અનુસાર, મેડિકલ રિપોર્ટ બાદ તિસ્તા સેતલવાડને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાશે.
 
ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી એક એફઆઈઆરના સંદર્ભમાં તેમની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા દાખલ કરાયેલ એક કેસમાં તિસ્તાની સાથે ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમાર અને ફરજમોકૂફ IPS સંજીવ ભટ્ટનાં નામ સામેલ હતાં.
 
જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આર. બી. શ્રીકુમારની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરાઈ હતી.
 
નોંધનીય છે કે વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય 63 વ્યક્તિઓને SIT દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
 
તિસ્તા સેતલવાડની સંસ્થાએ ઝકિયા જાફરીને એક દાયકા કરતાં વધારે ચાલેલી આ કાયદાકીય લડતમાં સાથ આપ્યો હતો.
 
ઝકિયા જાફરીના પતિ એહસાન જાફરી ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોમાં માર્યા ગયા હતા.
 
અમિત શાહે શનિવારે સવારે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ તિસ્તા સેતલવાડ અને તેમની સંસ્થાનો ઉલ્લેખ કર્યો હતો.
 
અમિત શાહે કહ્યું હતું કે સેતલવાડ અને તેની એનજીઓએ 2002નાં રમખાણો અંગે પોલીસને આધાર-પુરાવા વિનાની માહિતીઓ આપી હતી.
 
અમિત શાહના આ ઇન્ટરવ્યૂના કલાકો બાદ જ મુંબઈથી સેતલવાડની અટકાયત કરી લેવામાં આવી છે.
 
ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વીટ કર્યું છે કે ગુજરાત ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ) ની ટીમ તિસ્તા સેતલવાડના મુંબઈ ખાતેના નિવાસસ્થાને તેમની NGO અંગે થયેલ એક કેસને લઈને પહોંચી હતી.