મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (08:20 IST)

પેપર લીક મામલે સૌથી મોટો ખુલાસો, સાણંદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું પેપર

ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બર રવિવારના રોજ હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. 186 કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષાના પેપર લીકના કિસ્સામાં આજે 6 દિવસ બાદ સરકારે કબૂલ્યું છે કે પેપર લીક થયું હતું. ત્યારે હવે હેડ ક્લાર્કના પેપર લીક મામલે સૌથી મોટો ખુલાસો થયો હતો. રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોફ્રરન્સ કરી જણાવ્યું હતું કે હેડ ક્લાર્કનું પેપર સાણંદમાં આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતુ. 
 
તેમણે કહ્યું કે સાણંદની પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું અને પ્રેસના કર્મચારી કિશોર આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. કિશોર આચાર્ય સાણંદમાં આવેલા પ્રિંટીંગ પ્રેસનો હેડ છે તેણે 10 તારીખે કિશોર આચાર્યએ પેપર લીક કર્યું હતું.
 
ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં રેંજ આજી અભય ચુડાસમાએ જણાવ્યું કે 10મી તારીખે પેપર લીક કરાયું હતુ. પ્રિટિંગ વિભાગના હેડ કિશોર આચાર્યએ મંગેશને રૂપિયા નવ લાખમાં પેપર વેચ્યું હતું.  ત્યાર બાદ મંગેશે દીપકને વેચ્યું હતું અને દીપકે આ પેપર જયેશ પટેલને વેચ્યું હતું. પોલીસે આ મામલામાં આરોપી કિશોર, મંગેશ અને દીપકની પણ ધરપકડ કરી છે. જ્યારે જયેશ પટેલ હજી ફરાર છે. 
 
આરોપી દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલંસ ચલાવે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં પેપર લીક કાંડમાં કુલ 11 આરોપીની ધરપકડ કરાઈ છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોલીસે બે આરોપીને ઝડપી લઇ 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી હતી.
 
સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે ઘણા લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી છેલ્લા 3 દિવસમાં 11 આરોપીઓ ઝડપાયા છે જ્યારે 23 લાખ જેટલી રકમ પણ પોલીસે જપ્ત કરી છે.