બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ડિસેમ્બર 2022 (17:25 IST)

તાપીમાં જંગલી ભૂંડથી બચવા લગાવેલો વીજતાર જ મોતનું કારણ બન્યો, જાણો શું બની હતી ઘટના

આજે તાપીના એક ગામનો હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતે પોતાના ખેતરને જંગલી ભૂંડથી બચાવવા માટે લગાવેલો વીજતાર તેના જ પરિવારે જીવ ગુમાવવાનું કારણ બન્યો. તેની પત્ની તેના પતિને કરંટથી બચાવવા જતાં તે પણ એની ઝપેટમાં આવી ગઈ હતી. તો પોતાની માતાને કરંટ લાગતો જોઈ માને બચાવવા આવેલો પુત્ર પણ કરંટની ચપેટમાં આવી ગયો હતો અને જોતજોતાંમાં આખો પરિવાર ઊજડી ગયો.ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, વાલોડ તાલુકાના મોરદેવી ગામે આજે એક કમકમાટી ભરી ઘટના બનવા પામી હતી.

મોરદેવી ગામે રહેતા ખેડૂત ધીરુભાઈ કૂતરાભાઈ ચૌધરી, જેમની પત્ની ક્રિષ્નાબેન ચૌધરી સાથે રહેતાં હતાં અને ક્રિષ્નાબેનનો પુત્ર દેવરામ ઉર્ફે શૈલેષ બાલુભાઈ ચૌધરી પણ સાથે રહેતો હતો. ધીરુભાઈ ચૌધરીના ખેતરમાં જંગલી ભૂંડોનો ત્રાસ હોવાને કારણે તેમણે ખેતરની આસપાસ વીજ કરંટના તાર લગાવ્યા હતા, જેનું કનેક્શન ધીરુભાઈના ઘરમાંથી લેવામાં આવ્યું હતું.ધીરુભાઈને વીજ કરંટ લાગતો જોઈ તેમને બચાવવા માટે તેમનાં પત્ની ક્રિષ્નાબેન દોડીને ગયાં હતાં, જ્યાં તેમને પણ જોરદાર કરંટ લાગતાં તેમણે બૂમાબૂમ કરી હતી. બૂમો સાંભળી ક્રિષ્નાબેનનો પુત્ર દેવરામભાઈ પણ ત્યાં દોડી આવ્યો હતો. બંનેને કરંટ લાગતાં જોઈ બચાવવાના પ્રયાસમાં તેને પણ કરંટ લાગતાં ત્રણેયનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. મોરદેવી ગામે એક જ પરિવારના 3 સભ્યોનાં મોત નીપજતાં ગામમાં અરેરાટીનો માહોલ ફેલાયો હતો અને ગ્રામજનોની આંખોમાં આંસુ જોવા મળ્યાં હતાં. હાલ વાલોડ પોલીસે ત્રણેના મૃતદેહનો કબજો લઈ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.