મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 માર્ચ 2022 (13:30 IST)

ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં 19 હજારથી વધુ ઓરડાઓની ઘટ હોવાનું સરકારે વિધાનસભામાં કબૂલ્યુ

ગુજરાતની પ્રાથમિક શાળાની સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. વર્ષ 2020-21માં રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં 18 હજાર 537 ઓરડાની ઘટ હતી અને જે હવે વધીને 19 હજાર 128 થઇ ગઇ છે. વર્ષ 2020-21માં રાજ્યમાં માત્ર 972 ઓરડાઓ જ બનાવવામાં આવ્યા હતા.

તે ઉપરાંત રાજ્યની 23 સરકારી પ્રાથમિક શાળાઓમાં વિજળીની પાયાની સુવિધા જ ઉપલબ્ધ નથી. રાજ્યમાં 5 હજાર 439 સરકારી પ્રાથમિક શાળાઓ અને 272 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્‍ડ વોલ પણ નથી. વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલનો લેખિતમાં જવાબ આપતાં રાજ્ય સરકારના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજાર 128 સરકારી ઓરડાઓની ઘટ છે.

પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટની સંખ્યા 2015માં 8388 જ્યારે માર્ચ 2018માં વધીને 16008 થઇ ગઇ હતી. આમ, માર્ચ 2015 કરતાં માર્ચ 2018માં ઓરડાઓની ઘટની સંખ્યામાં બમણો વધારો થયો હતો. વર્ષ 2019-20માં રાજ્યમાં માત્ર 1742 ઓરડા જ બનાવવામાં આવ્યા હતા.રાજ્યના જે જિલ્લાની પ્રાથમિક શાળામાં ઘટતા ઓરડા છે તેમાં 1532 સાથે બનાસકાંઠા, 1688 સાથે દાહોદ અને 1209 સાથે પંચમહાલનો સમાવેશ થાય છે.રાજ્યમાં કચ્‍છ-2, સુરેન્‍દ્રનગર-1, પોરબંદર-7, દેવભૂમિદ્વારકા-1, મોરબી-3 અને ગીર-સોમનાથ-9 થઈને કુલ-23 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી. રાજ્ય સરકાર ગામેગામ અને ઘરે-ઘરે વિજળી પહોંચાડ્યાના દાવાઓ કરે છે પરંતુ રાજ્યની 23 સરકારી પ્રાથમિક શાળાઓમાં વિજળીની પાયાની સુવિધા જ ઉપલબ્ધ નથી. રાજ્યમાં 5 હજાર 439 સરકારી પ્રાથમિક શાળાઓ અને 272 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્‍ડ વોલ પણ નથી.

રાજ્ય સરકાર મહોત્‍સવ અને ઉત્‍સવોમાં કરોડો રૂપિયાનું આંધણ કરે છે પણ પ્રાથમિક શાળાઓમાં બાળકોના સલામતી માટે કંપાઉન્‍ડ વોલની સુવિધા પણ પુરી પાડી શકતી નથી.બીજી તરફ રાઈટ ટુ એજ્યુકેશન એકટ(આરટીઈ) હેઠળ રાજ્યમાં વર્ષ 2021માં 98 હજાર 312 અને વર્ષ 2021-22માં 75 હજાર 503 બાળકો મળી કુલ 1 લાખ 73 હજાર 815 બાળકોને પ્રવેશ આપવા પાત્ર હતો. પરંતુ વર્ષ 2020-21માં 78 હજાર 989 અને 2021-22માં 64 હજાર 175 બાળકો મળી કુલ 1 લાખ 43 હજાર 164 બાળકોને પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. બે વર્ષમાં રાજ્યમાં 30 હજાર 651 ઓછા બાળકોને પ્રવેશ આપવામાં આવ્‍યો છે.આરટીઈ કાયદાનો રાજ્યમાં કડક અમલ કરીને 25 ટકા લેખે બાળકોને પ્રવેશ આપવામાં આવે તો ગરીબ બાળકોને મફત શિક્ષણ મળી શકે તેમ છે.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં કહ્યું હતું કે, RTEનો કાયદો UPA સરકાર લાવી હતી. રાજ્યમાં શું ચાલે છે એની નહીં પણ રાજ્યમાં શું ચાલે એની ચર્ચા કરવી જોઈએ. RTEમાં ઓછી સંખ્યામાં પ્રવેશ આપવામાં આવે છે. ભાજપની સરકારના શાસનમાં ખાનગી સ્કૂલોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે છતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. શૈલેષ પરમારના સવાલનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જવાબ આપતાં કહ્યું હતું કે, ગરીબ બાળકોને પ્રવેશ આપવા સરકાર બંધાયેલી છે. તત્કાલિકન મુખ્યમંત્રી મોદીએ કન્યા કેળવણી અને પ્રવોશોત્સવ શરૂ કર્યાં જેથી શિક્ષણનું વાતાવરણ બદલાયું છે. શિક્ષણમાં રાજકારણ ના હોવું જોઈએ. 
 
કયા જિલ્લાની સ્કૂલોમાં સૌથી વધુ ઓરડાની ઘટ
અમદાવાદ        477
સુરેન્દ્રનગર        508
બનાસકાંઠા        1532
પંચમહાલ        1209
ભાવનગર        966
વડોદરા        505
અરવલ્લી        734
સાબરકાંઠા        941
મહેસાણા        947
વલસાડ        759
દાહોદ        1688
ખેડા        1089