ગુજરાત વેક્સીનેશનના મામલે નંબર વન, બીજા નંબરે છે આ રાજ્ય
રાજ્યમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે. વેક્સીન એકમાત્ર ઉપાય છે. ગુજરાતમાં પૂરજોશમાં વેક્સીનની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 8,15,262 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રવિવારે સાંજ સુધીમાં 4,80,410 વ્યક્તિઓને ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 4,91,03,453 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
નોંધપાત્ર સિદ્ધિમાં, ભારતનું સંચિત રસીકરણ કવરેજ ગઈકાલે 68 કરોડની સીમાચિહ્ન પાર કરી ગયું. સાથે જ છેલ્લા 24 કલાકમાં 25,23,089 રસી ડોઝ આપવામાં આવ્યા. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, સંયુક્ત રીતે, 68.75 કરોડ (68,75,41,762) રસી ડોઝ 71,77,219 સત્રો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં રસીકરણના મામલે ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતાં સૌથી આગળ છે. 76 ટકા ગુજરાતીઓએ વેક્સીનનો સિંગલ ડોઝ લઇને સુરક્ષા કવચ ધારણ કરી લીધું છે. જ્યારે 27 ટકા લોકોએ બંને ડોઝ લઇ લીધા છે. વેક્સીનેશનના મામલે ગુજરાત બાદ કેરળ બીજા નંબરે છે. કેરળમાં 73 ટકા લોકોએ વેક્સીનનો સિંગલ ડોઝ જ્યારે 27 ટકાએ બંને ડોઝ લઇ લીધા છે.
આંકડા પર નજર કરીએ તો સરકારી હોસ્પિટલોની તુલનામાં ખાનગી હોસ્પિટલોમાં તદ્દન ઓછું રસીકરણ થયું છે. ઘણા રાજ્યોમાં તો માત્ર 2 ટકાથી પણ ઓછા લોકોએ ખાનગી હોસ્પિટલોમાં રસી લીધી છે. અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્રમાં ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધુ 14 ટકા રસીકરણ થયું છે, જ્યારે ઝારખંડમાં સૌથી ઓછું 1.6 ટકા રસીકરણ થયું છે. આંકડાઓ મુજબ, રાજસ્થાનમાં શહેરોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ 87.9 ટકા રસીકરણ થયું છે.
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં 32.6 ટકા તો શહેરોમાં 67.4 ટકા રસીકરણ થયું છે. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે તા. ૧લી એપ્રિલ-૨૦૨૧ના રોજથી ૪૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 73 દિવસોથી 2.58% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 2.76%છે. છેલ્લા 7 દિવસથી 3% કરતા ઓછો અને સતત 91 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.