શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 એપ્રિલ 2023 (13:03 IST)

રાજકોટના વીછિંયામાં તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ હવનકૂંડમાં મસ્તક હોમી દીધાં, બે પેજની સુસાઈડ નોટ પણ મળી

rajkot news
રાજકોટના વીછિંયા તાલુકામાં એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તાંત્રિકવિધિમાં પતિ-પત્નીએ હવનકુંડમાં પોતાની આહુતિ આપી હતી. એટલું જ નહીં, અંધશ્રદ્ધામાં ભરેલા પગલાં અંગેની વિગત પણ સુસાઈડ નોટમાં આપી હતી. બંનેની બે પાનાની સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં પત્નીએ અંગૂઠો કર્યો હતો અને પતિએ સહી કરી હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવવા મૃતદેહને રાજકોટ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.વીંછિયાના હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કરી હતી. ત્યારબાદ બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. રાતે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનના કુંડમાં મસ્તક હોમી દીધા હતા. હજુ આ મામલે કોઈ સત્તાવાર પોલીસે માહિતી આપી હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના વિંછીયા મોઢુકા રોડ પર ભોજાભાઈ મકવાણાની વાળીએ તેમના પુત્ર અને પુત્રવધૂએ અંધશ્રદ્ધામાં પોતાની જાતે જ બલી ચડાવી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ભોજાભાઈના પુત્ર હેમુભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ પોતાની જાતે જ બલી ચડાવી તેમના માથા હવનકુંડમાં હોમી દીધા હતા. બલી ચડાવતાં પહેલાં તેમના સગીરવયના દીકરા-દીકરીને મામાના ઘરે મૂકી આવ્યા હતા અને બાદમાં પૂજાવિધિનો સામાન લઈને ખેતર જતા રહ્યા હતા. આજે બપોરના સમયે દીકરી વાળીએ જઇને માતાપિતાને આ હાલતમાં જોઈ રોક્કળ કરતા બધા એકઠા થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.

મૃતક હંસાબેનના પિતરાઈ ભાઈ જેન્તીભાઇ જતાપરાએ જણાવ્યું હતું કે, મારા બેન અને બનેવી ખૂબ જ ધાર્મિક હતા. ઘરે પણ રામાપીરનું મંદિર બનાવ્યું છે અને વાળીએ પણ હવનકુંડ છેલ્લા બે મહિનાથી બનાવ્યું છે. ગઈકાલે મારા બેન હંસાબેન તેમના દીકરા હરસુખ અને દીકરી મમતાને મારા ભાઈના ઘરે મૂકી ગયા હતા. બધા રાત્રે સાથે જમ્યા પણ હતા, આજે રવિવાર હોવાથી બાળકો રોકાઈ ગયા હતા અને બેન-બનેવી ચાલ્યા ગયા હતા. બનેવી મજૂરી કામ કરે છે આર્થિક કોઈ ખેંચતાણ તેમને નથી. આજે તેઓ બપોરે 11 વાગ્યે ઘરે પહોંચતા તેમના ભત્રીજાએ જણાવ્યું હતું કે, બેન અને બનેવીનું ગળું કપાઇ ગયું છે. જ્યાર પછી અમે વાળીએ જઈ અને જોયું તો બેનનું માથું હવન કુંડમાં પડ્યું હતું. જયારે બનેવીનું માથું બાજુમાં પડ્યું હતું. તેમને કોઈ ગુરુ કે ભૂવા ન હતા. પરંતુ પોતે જાતે જ માંચડો બનાવી બંને સાથે સૂઈને પોતાની જાતે બલી ચડાવી દીધી છે. પોતાના બે બાળકોનો પણ વિચાર કર્યો નથી.