શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 એપ્રિલ 2021 (14:47 IST)

રાજ્ય સરકાર રાજસ્થાનની જેમ RT-PCR ટેસ્ટનો ભાવ 350 કરીને લોકોને રાહત આપે

અમદાવાદમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ગઈ કાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાંથી અથવા નાગરિકના ઘરે જઈને ટેસ્ટ કરવામાં આવે તો 1100નો ચાર્જ હતો તેમાં 200નો ઘટાડો કરાયો છે. ખાનગી લેબોરેટરીમાં દર્દી ટેસ્ટ કરાવવા માગે તો 1100માંથી 900 રૂપિયા જ ચાર્જ લઈ શકશે. લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવે તો તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડો આજથી તમામ લેબોરેટરીમાં અમલમાં મૂકવાનો રહેશે. ત્યારે કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે ગુજરાતમાં રાજસ્થાનની જેમ RTPCR ટેસ્ટના ભાવ 350 રૂપિયા કરવાની માંગ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં લોકોની આર્થિક હાલત ખરાબ થઈ છે. ત્યારે સરકારે ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ કોરોનાના RT-PCR ટેસ્ટનો ભાવ 350 કરીને લોકોને રાહત આપવી જોઈએ. તેમણે સરકારને ટેસ્ટના નામે બેફામ વસૂલાતા ભાવ સામે રોક લગાવવાની માંગ કરી છે. તે ઉપરાંત એવો આક્ષેપ પણ કર્યો હતો કે સરકાર પોતાના મળતીયાઓને લૂંટ કરવાનું લાઈસન્સ આપી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. જેમાં અલગ અલગ જિલ્લા અને શહેરોમાંથી દર્દીઓના ફોન આવવાના શરૂ થયા છે જેમાં દર્દીને વેન્ટિલેટર, ઓક્સિજન બેડ તેમજ ઇન્જેક્શનની જરૂર હોય તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર, જે તે સંબંધિત સુપ્રિટેન્ડન્ટ, મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓને ફોન કરી દર્દીને મદદ કરવા જાણ કરવામાં આવે છે. પરંતુ જો ત્યાંથી જવાબ ન મળે અથવા મદદ નથી મળતી ત્યારે કોંગ્રેસના જિલ્લા કે શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, કાર્યકરને રૂબરૂ મોકલી અને મદદ કરવામાં આવે છે.