બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 મે 2023 (10:31 IST)

ઈન્સ્ટાગ્રામમાં મિત્ર બનેલા યુવકે યુવતીને ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી, રૂપિયા અને દાગીના પડાવ્યા

crime
બોપલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
 
અમદાવાદઃ સોશિયલ મીડિયામાં મિત્ર બનેલા લોકો બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ઈન્સ્ટાગ્રામ પર એક યુવતીએ યુવકની ફ્રેન્ડ રિક્વેટ સ્વીકારી હતી. ત્યાર બાદ બંને વચ્ચે મેસેજથી વાતચીત થતી હતી. આ દરમિયાન યુવકે યુવતીને વિશ્વાસમાં લઈને તેના ન્યૂડ ફોટો મેળવી લીધા હતાં. બાદમાં યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને એક લાખથી વધારે રૂપિયા તથા સોનાના દાગીના માંગ્યા હતાં. જેથી યુવતીએ ટુકડે ટુકડે રૂપિયા આપ્યા હતાં અને પરિવારની જાણ બહાર સોનાના દાગીના આપ્યા હતાં. ત્યાર બાદ આ યુવતીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 
 
ધમકી આપીને સોનાના દાગીનાની માંગ કરી 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી યુવતીએ ઈન્સ્ટાગ્રામમાં એક યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યાર બાદ યુવક અને યુવતી મેસેજથી વાતચીત કરતાં હતાં. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધી હતી. યુવકે યુવતીને વિશ્વાસમાં લેવાનું શરૂ કર્યું હતું. આમ કરતાં યુવતી યુવકના તાબે થઈ ગઈ હતી. એક દિવસ યુવકે યુવતીને કહ્યું હતું કે, જો તુ મને હું માંગુ એટલા રૂપિયા નહીં આપે તો તારા ફોટા વાયરલ કરી દઈશ. ત્યાર બાદ યુવતીએ તેને એક લાખ સાત હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતાં. આટલેથી નહીં ધરાતા યુવકે યુવતીને ફરી ધમકી આપીને સોનાના દાગીનાની માંગ કરી હતી. 
 
યુવતીએ રોકડા રૂપિયા અને દાગીના આપ્યા
યુવતીએ આબરુ જવાના ડરે તેના ઘરમાં રહેલી સોનાની બુટ્ટી, પેન્ડર, વિંટી સહિતના દાગીના આપ્યા હતાં. જેની કિંમત ત્રણ લાખ કરતાં પણ વધારે છે. ત્યાર બાદ તેની માતાને ઘરમાં દાગીના નહીં દેખાતા તેણે પુછ્યું હતું તો માતાને હકિકત જણાવી હતી. ત્યારે માતાએ પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપતાં તેણે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ઈસનપુરમાં રહેતા જય નાગોર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે