15 લાખના હિરા ભરેલી બેગ ચોરોએ તાપી નદીમાં ફેંકી દીધી, છાપું વાંચીને ખબર પડી કે બેગમાં કિંમતી હિરા હતા
અમરોલીના હીરા વેપારીને ત્યાં 15 લાખના હીરાવાળી બેગ ચોરી કરનાર ચોરોએ બેગમાં કશું જ નથી સમજીને તે બેગ તાપી નદીમાં ફેંકી દીધી હતી અને બીજા દિવસે અખબાર વાંચી તેમને ખબર પડી કે બેગમાં 15 લાખના હીરા હતા. આ કબૂલાત ક્રાઇમબ્રાંચના હાથે ઝડપાયેલા બે ચોરોએ કરી હતી. અમરોલી પોલીસના જણાવ્યા અનુસાર મૂળ અમરેલીના વતની હાર્દિક ઝવેરભાઈ વાસોયા મોટા વરાછા ખાતે પંચકુટીર સોસાયટીમાં રહે છે. હાર્દિકભાઇ મહિધરપુરામાં હીરાનો વેપાર કરે છે. 28મી તારીખે સાંજે તેઓ ઓફિસેથી ઘરે 15 લાખના 13 હીરા અને લેપટોપ લઈને ગયા હતા. તેમણે હીરાવાળી બેગ બેડરૂમમાં મૂકી હતી. હવા માટે માટે બેડરૂમની બારી ખુલી રાખી હતી. રાત્રે તસ્કરોએ હીરાવાળી બેગ લઇ ભાગી ગયા હતા. બેગમાંથી ચોરોએ ચેકબુક અને પાસપોર્ટ ઘરની પાસે ફેંકી દીધાં હતા.આ મામલે હાર્દિકે અમરોલી પોલીસ સ્ટેશનમાં 15 લાખ રૂપિયાના હીરા,લેપટોપ અને ફોન મળીને કુલ 15.45 લાખ રૂપિયાની ચોરીની થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે અજય ઉર્ફ બોડો રામુભાઈ વસાવા(રહે. દેવીકૃપા સોસાયટી,ઉત્રાણ ગામ,અમરોલી) અને મુકેશ ઉર્ફ પપ્પુ રામ શિરોમણ મોર્યા(રામ નગર સોસાયટી, ઉત્રાણગામ,અમરોલી)ની ધરપકડ કરી છે. ચોરોએ કરેલી કબુલાત કરી તેનાથી પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપીઓએ કહ્યું કે તેમને તો ખબર જ ન હતી કે બેગમાં 15 લાખ રૂપિયાના હીરા છે. તેથી તેઓએ બેગ સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં ફેકી દીધી હતી.ે બીજા દિવસે અખબાર વાંચીને તેમને ખબર પડી કે બેગમાં 15 લાખ રૂપિયાના હીરા હતા. આ કેસમાં ઝડપાયેલો 22 વર્ષીય રિઢો ચોર અજય ઉર્ફ બોડો રામુભાઈ વસાવા અગાઉ વર્ષ 2017માં સચિન વિસ્તારમાં એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાના કેસમાં પણ પકડાઇ ચૂક્યો છે.આરોપીઓએ તાપીમાં જે બેગ ફેંકી દીધી હતી તેમાં 15 લાખના હીરાની સાથે સાથે લેપટોપ પણ હતો.અમરોલી પોલીસે જોકે તાપી નદીમાં ફાયર બ્રિગેડના સથવારે હીરાવાળી બેગની ઘણી શોધખોળ કરી પણ તે મળી ન હતી.