શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ડિસેમ્બર 2020 (12:59 IST)

પૂર્વ BJP મંત્રીનાં પૌત્રીની સગાઈમાં હજારો લોકો એકઠા થવા મામલે હાઈકોર્ટ: ‘પોલીસ શું કરતી હતી?’

ટાઇમ્સ ઑફ ઇન્ડિયના અહેવાલ અનુસાર તાપી જિલ્લાના સોનગઢમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા કાંતિ ગામિતનાં પૌત્રીની સગાઈમાં હજારો લોકો એકઠા થયા હતા. સગાઈમાં ગરબાનો વીડિયો વાઇરલ થતાં ઘટના સામે આવી હતી.
 
આ ઘટનાની ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે.
 
હાઈકોર્ટે ટકોર કરતાં કહ્યું કે જિલ્લાના એસપી અને સ્થાનિક પોલીસ શું કરી રહ્યા હતા?
 
રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે આ મામલે સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે.
 
આ મામલે અદાલતે તંત્રની અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
 
ચીફ જસ્ટિસ વિક્રમ નાથે ટકોર કરતાં કહ્યું કે હવે આવું ફરી ન બને એ માટે યોગ્ય કાર્યવાહી કરો.
 
આ મામલે બપોરે ફરીથી સુનાવણી થશે.
 
આ વીડિયો એવા વખતે સામે આવ્યો છે જ્યારે ગુજરાત કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરમાં સપડાયું છે અને રાજ્યનાં મોટાં શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
 
ગુજરાત સરકારે સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખીને લગ્ન કે અન્ય સામાજિક કાર્યક્રમોમાં 100થી વધુ લોકોએ ભેગા ન થવાનો નિર્ણય લીધો છે.
 
ગામિતે આ અંગે કહ્યું, "દર વર્ષે અમે ગામમાં તુલસીવિવાહના કાર્યક્રમનું આયોજન કરતાં હોઈએ છીએ. તો સોમવારે મારી પૌત્રીની સગાઈની સાથે-સાથે તુલસીવિવાહનો કાર્યક્રમ યો્જ્યો હતો."
 
"અમે લોકોને આમંત્રણ આપ્યું ન હતું, માત્ર વૉટ્સઍપ પર મૅસેજ કર્યો હતો અને લોકો આવી પહોંચ્યા. અમારી પૌત્રીની સગાઈ હતી તો બે હજાર માણસોનો જમણવાર રાખ્યો હતો."
 
"જમણવાર પછી ગરબાનો કાર્યક્રમ પણ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ડાન્સ કર્યો. હું મોટા કાર્યક્રમ માટે માફી માગું છું."
 
તાપી જિલ્લાના અધિકારીઓ પ્રમાણે જિલ્લામાં સોમવારે ચાર નવા કેસ સામે આવ્યા હતા. જે પૈકી બે સોનગઢ અને બે વ્યારા તાલુકાના હતા. હાલ જિલ્લામાં 22 લોકો કોરોના સંક્રમણની સારવાર લઈ રહ્યા છે.