બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 માર્ચ 2023 (09:34 IST)

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી, ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજી વરસાદ પડશે?

rain
ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે.
 
રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતનાં શહેરોમાં આજ સવારથી જ હવામાન પલટાયું છે અને વાદળછાયું હવામાન જોવા મળ્યું છે.
 
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આકાશમાં વાદળો દેખાયાં છે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડ્યો છે.
 
આવનારા ચારથી પાંચ દિવસો સુધી ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે ઉનાળાની શરૂઆતમાં જ દેશમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.
 
ગુજરાતના કયા જિલ્લાઓમાં આગાહી?
 
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતની સાથે જ કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠું થયું હતું. હવે ફરી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
15 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી વલસાડ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે કચ્છની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી તથા બોટાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
 
16 માર્ચના રોજ ગુજરાતમાં વરસાદનો વ્યાપ વધવાની શક્યતા છે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
 
17 માર્ચના રોજ વરસાદનું જોર રાજ્યમાં ઘટવાની હાલ શક્યતા દેખાઈ રહી છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ દિવસે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
 
ગુજરાતમાં કેટલા દિવસ સુધી હજી વરસાદ પડશે?
 
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ચારેક દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. 18 માર્ચની આસપાસ વરસાદનું જોર ઘટવાની સંભવાના છે.
 
પરંતુ આંકડાકીય મૉડલ પ્રમાણે રાજ્યમાં 20 તારીખ સુધી વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની સંભાવના દેખાઈ રહી છે.
 
હાલ રવી પાકની લણણીની મોસમ ચાલી રહી છે ત્યારે આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં થોડા સમય પહેલાં થયેલા વરસાદમાં પણ અનેક ખેડૂતોને નુકસાન થયું હતું. હવે આજ મહિનામાં ફરી માવઠાના બીજા રાઉન્ડને કારણે સેંકડો ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે.
 
ગુજરાતની સાથે સાથે દેશભરમાં આવનારા પાંચથી છ દિવસો સુધી ચોમાસા જેવો માહોલ જામવાની શક્યતા છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં આવનારા બેથી ત્રણ દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ગુજરાતના ઘણા વિસ્તારો હીટ વેવનો પણ સામનો કરી ચૂક્યા છે. તો બીજી તરફ કમોસમી વરસાદ પડી રહ્યો છે. હાલ પડી રહેલા વરસાદને પ્રિ-મૉન્સુન રેઇન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે.
 
ગુજરાતમાં એક સાથે બે મોસમનો અનુભવ
 
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ હવામાનમાં સતત ફેરફારો આવી રહ્યા છે. ક્યારેક વધારે ગરમી તો ક્યારેક કમોસમી વરસાદ.
 
ફેબ્રુઆરી મહિનામાં જ ગુજરાતમાં હીટ વેવની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. જે બાદ માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં કમોસમી વરસાદની ઍન્ટ્રી થઈ.
 
14 તારીખે એક તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો તો સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી જોવા મળી. એક તરફ કમોસમી વરસાદની આગાહી હતી તો બીજી તરફ હીટ વેવની આગાહી પણ હતી.
 
વરસાદને કારણે રાજ્યને કેટલાક દિવસ સુધી ગરમીમાંથી થોડી રાહત મળશે પરંતુ આ રાહત લાંબી ચાલે તેવી નહીં હોય, કેમ કે વરસાદ બંધ થતાની સાથે જ રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઊંચે જવાની શરૂઆત થઈ જશે.
 
ત્રણેક દિવસ વરસાદ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ શરૂ થવાની સંભવાના દેખાઈ રહી છે.