શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 એપ્રિલ 2021 (20:21 IST)

સુરતમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો, અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ

સમગ્ર ગુજરાતમાં અમદાવાદ અને સુરતની હાલત વધારે કફોડી બની છે. હવે દર્દીઓના મોત બાદ તેમના મૃતદેહોને પણ ક્યાં અગ્નિસંસ્કાર કરવા એ પણ સૌથી મોટો સવાલ બની ગયો છે. મોતના આંકડા સંતાડવા માટે વહીવટી તંત્ર ભલે ગમે તેટલા ખેલ કરે પરંતુ વાસ્તવિક સ્થિતિ આપણી સમક્ષ આવી રહી છે. આજે ઉમરા સ્મશાન ગૃહમાં લાશોનો ઢગ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જે બતાવે છે કે શહેરમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. વહીવટીતંત્ર સવારથી સાંજના કોરોના સંક્રમિત વ્યક્તિઓના અને દિવસ દરમિયાન થયેલા કોરોના સંક્રમણને કારણે મોતના આંકડા ખૂબ ઓછા બતાવીને બધાને ગેરમાર્ગે દોરતી હોય તેવું લાગે છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આંકડાનો ખેલ ખેલી રહી છે. પરંતુ સામાન્ય દિવસોમાં જે સ્મશાનગૃહમાં મૃતદેહો પહોંચતા હતા તેના કરતાં પાંચ ગણા વધારે મૃતદેહો એકાએક કેવી રીતે પહોંચી રહ્યા છે. તે પણ એક મોટો વિષય છે. જો વહીવટીતંત્ર સાચા આંકડા આપણી સમક્ષ મૂકી રહ્યો છે તો સ્મશાનગૃહમાં આ પ્રકારે લાશના ઢગલા કેમ દેખાઈ રહ્યા છે તેની સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે.