Rajkot News Video - ચોરીના આરોપમાં દલિત યુવકને ઢોર માર મારતા થયુ મોત, વીડિયો થયો વાયરલ
ગુજરાતના રાજકોટથી એક દલિત યુવકની ફેક્ટરીના માલિક દ્વારા ઢોર માર મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. દલિતને મારવાનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દેશભરમાં દલિતો વિરુધ્ધ હિંસાના સતત મામલા સામે આવી રહ્યા છે. ગુજરાતના રાજકોટમાં એક દલિતની ફેક્ટરી માલિક દ્વારા મારી મારીને હત્યા કરવાનો આરોપ છે. 18 સેકંડના આ વીડિયોમાં દલિત યુવકને દિવાલ સાથે બાંધીને કેટલાક લોકો ઢોર માર મારી રહ્યા છે. એક યુવક તેને દોરડાથી બાંધીને દોરડું પકડીને ઉભો છે અને બીજો તેને લોખંડના રોડથી મારી રહ્યો છે.
શહેરમાં ભંગાર વિણવાનું કામ કરતાં યુવકને કચરો વિણવા મુદ્દે પાંચ શખ્શોએ ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીઓએ યુવકની પત્ની અને તેના કાકીજી સાસુને પણ માર માર્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી બાજુ પરિવારજનોએ જ્યાં સુધી સરકાર દ્વારા આર્થિક સહાય અને મદદ ન મળે ત્યાં સુધી લાશ લેવાની ના પાડી દીધી છે.
રાજકોટ-ગોંડલ હાઈ વે પાસે શાપર ખાતે છૂટક મજૂરી કરતાં અને રવિવારે સવારે 6.30 કલાકે નિત્યક્રમ મુજબ ભંગાર વિણવા નિકળેલા મુકેશ સવજીભાઈ વાણીયા (અનુસુચિત જાતિ) તેમના પત્ની જયાબેન અને સાથે રહેલા અન્ય મહિલા સવિતાબેન શિતળા માતાના મંદિર પાછળ આવેલી રાદડીયા ઈન્ડસ્ટ્રીઝ પાસે પહોંચ્યા ત્યારે ચોરી કરવા ઘૂસ્યાની આશંકાએ કારખાનાના પાંચ શખસોએ ત્રણેયને પકડી અંદર પૂરી ઢોર માર માર્યો હતો.
કારખાનામાં ત્રણેયને પકડયા બાદ બે મહિલાઓ ત્યાંથી નીકળી ઘેર પહોંચી હતી અને કારખાનામાં રહેલા 6 શખસોએ પાછળથી યુવાને ઢોર માર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. યુવાનને લઈ પરિવારજનો સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચતા યુવાનનું મોત થયાનું જાહેર કરાતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ભંગાર લેવાના બદલામાં યુવાને નાણાં માંગતા તેને જ્ઞાતિ પ્રત્યે ધૂત્કારીને માર માર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
મૃતકના પત્ની જયાબેને જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વતન લીંબડીના પરનાળા ગામથી પાંચ દિવસ પૂર્વે જ શાપર આવ્યા હતા અને કચરો વિણવાનું કામ શરૂ કર્યું હતું અને મુકેશભાઇ હત્યાનો ભોગ બન્યા હતા. બનાવથી વાણીયા પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.