ભાજપના બે ધારાસભ્યએ CMને પત્ર લખ્યો, કહ્યું-લવ જેહાદ રોકવા ધ કેરલા સ્ટોરી ફિલ્મને પ્રોત્સાહન આપો
ધ કેરાલા સ્ટોરી ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવા માટે ભાજપના જ નેતાઓ મેદાને આવ્યા છે અને એક બાદ એક નેતા મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા અને સાંસદરાજેશ ચુડાસમાએ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે રાજકોટના ભાજપના બે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ અને રમેશ ટીલાળાએ આ ફિલ્મને કરમુક્ત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ચિંતન મંચના પ્રમુખે પણ ફિલ્મને કરમુક્ત કરવા માટે પત્ર લખ્યો છે. રાજકોટના ધારાસભ્યો ડો.દર્શિતા શાહે જણાવ્યું હતું કે, લવ જેહાદ રોકવા આ ફિલ્મને પ્રોત્સાહન આપો. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરલા સ્ટોરીને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક રાજ્યોમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમુક રાજ્યો દ્વારા આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ ભાજપનાં ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ અને રમેશ ટીલાળાએ ગુજરાતમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા માગ ઉઠાવી છે અને જણાવ્યું છે કે, વધુમાં વધુ બહેનો ફિલ્મ જોવે તો લવ જેહાદનાં કિસ્સાઓ ઘટશે. રાજકોટ પૂર્વનાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે આ અંગે જણાવતા કહ્યું કે, લવ જેહાદને રોકવા માટે આ ફિલ્મને પ્રોત્સાહન આપવું જોઈએ. મોટા પ્રમાણમાં માતા-પિતા તેમજ દીકરીઓએ આ ફિલ્મ જોવી જોઈએ. આ માટે રાજ્ય સરકાર સમક્ષ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જેમાં 25000થી વધુ હિન્દુ દીકરીઓને લવજેહાદમાં ફસાવવામાં આવે છે. તેમનું કેવું શોષણ કરવામાં આવે છે તેની વાત છે. ત્યારે આતંકવાદને નાથવા માટેની આ ફિલ્મ વધુમાં વધુ દીકરીઓ જુએ તે માટે મુખ્યમંત્રી સમક્ષ આ ફિલ્મને કરમુક્ત કરવાની માગ કરી છે. જેથી આગામી દિવસોમાં લવજેહાદની ઘટનાઓ બનતી રોકી શકાય. બીજી તરફ આ વાતને રાજકોટ દક્ષિણનાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ સમર્થન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ધ કેરલા સ્ટોરી ફિલ્મને કરમુક્ત કરવાની રજૂઆત અમે મુખ્યમંત્રી પાસે કરી છે. ગુજરાતમાં અમારો પાટીદાર સમાજ બહોળી સંખ્યામાં વસે છે. ત્યારે ખોડલધામ દ્વારા પણ બહેનોને જાગૃત કરવા અને ફિલ્મ બતાવવા માટે મોટું આયોજન કરવાના છીએ. રમેશ ટીલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, મોટાભાગે કુમળી વયની બાળાઓ લવજેહાદનો ભોગ બનતી હોય છે. આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે આવી ફિલ્મને પ્રોત્સાહન મળવું જરૂરી છે. આ માટે પોલીસ-સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોય છે. ત્યારે સરકાર પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરીને રાજ્યની વધુમાં વધુ બહેનો અને દીકરીઓ આ ફિલ્મ જોવે તેવો પ્રયાસ કરશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. મુખ્યમંત્રી દ્વારા આ માટેનો હકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.