1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (14:38 IST)

અમદાવાદમાં રીક્ષાની સંખ્યા ઘટાડાશે. ઓલા ઉબેર માટે આવશે નવા નિયમ

ગુજરાત સરકાર અને ટ્રાફિક વિભાગે સોમવારે હાઈકોર્ટમાં જણાવ્યું કે શહેરના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ભાગરુપે ટ્રાફિક ડ્રાઈવ બાદ હવે તેઓ રિક્ષાની પરમિટ આપવાનું મર્યાદિત કરીને રસ્તાઓ પર ઓટોરિક્ષાની સંખ્યા ઘટાડશે. સરકારે શહેરના રસ્તાઓ પર ઓટોરિક્ષાની સંખ્યા ઘટાડવા માટે રિકમન્ડેશન આપવા એક કમિટીની રચના કરી છે જે 15 દિવસની અંદર રિપોર્ટ આપશે કે શહેરનો વિસ્તાર, વસ્તી, રોડ કંડિશન અને હાલ કેટલી ઓટો રસ્તા પર દોડી રહી છે તેના આધારે કેટલી નવી પરમિટ ઇશ્યુ કરવી તે અંગે જણાવશે. સરકારે હાઈકોર્ટને કહ્યું કે રિક્ષા પબ્લિક ટ્રાન્સપોર્ટ કે પ્રાઈવેટ વાહન નહીં પણ કોન્ટ્રાક્ટ કેરેજ વ્હેહિકલ અંતર્ગત ગણાય છે જેથી તેમને પરમિટની જરુર પડે અને આ પરમિટ સરકાર વધારી કે ઘટાડી શકે છે.જો ટ્રાફિક નિષ્ણાંતોનું માનીએ તો અમદાવાદમાં હાલ 1 લાખ રિક્ષાની જરુર છે તેની સામે શહેરના રસ્તા પર 2 લાખ જેટલી રિક્ષા દોડી રહ્યા છે. સોમવારે RTOએ રિક્ષા ડ્રાઇવર એસોસિએશન સાથે બેઠક કરી હતી અને શહેરના રસ્તા પર રિક્ષાઓ ઓછી કરવા અંગે ચર્ચા કરી હતી. અમદાવાદ RTOના અધિકારી એસ.પી. મુનિયાએ કહ્યું કે ‘અમે રિક્ષા ડ્રાઇવર એસોસિએશન પાસેથી રોડ પર રિક્ષાને રેગ્યુલેટ કરવા માટે સજેશન માગ્યું છે. તેમજ હાલ નવું રજિસ્ટ્રેશન અટકાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ સરકારે હાઈકોર્ટમાં એ પણ કહ્યું કે, ઓલા અને ઉબર જેવી ટેક્સી સર્વિસ માટે પણ ટુંક સમયમાં જ નવા રુલ્સ લાવશે. આ માટે ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. જેને મોટર વેહિકલ રુલ્સ અંતર્ગત લાવવામાં આવશે. જેને ‘ગુજરાત સ્ટેટ ઓન ડિમાન્ડ ટ્રાન્સપોર્ટેશન એગ્રીગેટર રુલ્સ’ નામ આપવામાં આવશે. સરકાર તરફથી મનિષા શાહે હાઈકોર્ટને કહ્યું કે રાજ્ય સરકારે પહેલા 2015માં કેટલા નિયમ બનાવ્યા હતા. બીજા પણ કેટલાક રાજ્યોમાં આવા રેગ્યુલેશન છે.