ગુજરાતમાં કુલ 4.58 લાખ બેરોજગારોમાંથી બે વર્ષમાં માત્ર 2,223ને જ સરકારી નોકરી મળી

Last Modified શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (18:04 IST)

હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કેટલા બેરોજગારોને સરકારી નોકરી મળી તે અંગે જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ 4 લાખ 58 હજાર 96 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં 2,223ને સરકારી નોકરી મળી છે. તેની સામે 7 લાખ 32 હજાર 139 બેરોજગારોને ખાનગી નોકરી મળી છે.
આમ છેલ્લા બે વર્ષમાં કુલ ખાનગી અને સરકારી મળીને 7 લાખ 34 હજાર 362ને નોકરી મળી છે. જેમાં 0.30 ટકા બેરોજગારોને સરકારી અને 99.69 ટકાને ખાનગી નોકરી મળી છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, રાજ્યના 14 જિલ્લામાંથી એકપણ બેરોજગારને સરકારી નોકરી મળી નથી. આ અંગે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો કે, આ આંકડાઓ વર્ષે એક લાખને સરકારી નોકરી આપવાના સરકારના દાવાની પોલ ખોલે છે. રાજ્યમાં હાલ 4 લાખ 34 હજાર 663 શિક્ષિત બેરોજગારો જ્યારે 23 હજાર 433 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે અમદાવાદ 38,611 શિક્ષિત અને 4364 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે પ્રથમ નંબર પર, 26,563 શિક્ષિત બેરોજગારો અને 952 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે વડોદરા બીજા નંબર પર, 22,445 શિક્ષિત અને 620 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે આણંદ ત્રીજા નંબર પર, 21,544 શિક્ષિત અને 603 અર્ધ શિક્ષિત બેરોજગારો સાથે મહેસાણા ચોથા નંબર પર અને 21055 શિક્ષિત બેરોજગારો અને 1572 અર્ધશિક્ષિત બેરોજગારો સાથે રાજકોટ પાંચમાં નંબર પર છે.આ પણ વાંચો :