રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 ફેબ્રુઆરી 2020 (11:30 IST)

દલિત આર્મી જવાનને ઊંચી જાતિના લોકોએ ઘોડી પર ચઢતા રોક્યો, લગ્નમાં પત્થરમારો

ભારતીય સેનામાં જવાન એવા 27 વર્ષના આકાશ કોટિયા(પરમાર) માટે પોતાના લગ્નનો દિવસ આનંદ નહીં પણ દુ:ખનો દિવસ બન્યો હતો જ્યારે સમાજમાં રહેલા જાતિવાદનો વરવો ચહેરાનો તેની સામે આવ્યો હતો. પાલનપુરના સારિપાડા ગામમાં રવિવારે જ્યારે પીડિત આકાશ પોતાના લગ્ન માટે જાન સાથે ઘોડા પર ચડીને વરઘોડો કાઢ્યો ત્યારે કેટલાક તત્વોએ આવીને વરઘોડાને અટકાવ્યો હતો અને મારામારી કરી હતી. પોલીસે આ મામલે 11 લોકો સામે એસસી-એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી છે. ફરિયાદી મુજબ, આરોપીઓ રવિવારે કોટિયાના ઘરે આવ્યા હતા અને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહીને ધમકી આપી હતી કે જો વરરાજાને ઘોડા પર બેસાડીને વરઘોડો કાઢવામાં આવશે તો ગોળી મારી દેવામાં આવશે. તેમજ આરોપીએ કહ્યું કે ઘોડા પર બેસવું હોય તો પહેલા તેણે ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ લેવો પડે. ફરિયાદીએ જણાવ્યું કે અમે તેમની પાસે કરગરીને કહ્યું કે આકાશ અનાથ છે અને અમને શાંતિ પૂર્વક વરઘોડો કાઢવા દેવામાં આવે પરંતુ તેમણે અમારી એકવાત સાંભળી નહીં.
 
વાત જાણે એમ હતી કે ગઢ પોલીસ હદમાં આવેલ સરીપડા ગામમાં રહેતા અને બેંગ્લોર આર્મીમાં ફરજ બજાવતા આકાશભાઇ દિનેશભાઇ કોઇટીયા આજે લગ્ન ફેરા હતા. વરરાજાના માતાં-પિતા હયાત ના હોઈ, મોટી સંખ્યામાં સગાસબંધીઓ જાનમાં હાજરી આપવા આવ્યાં હતા. જેમાં જાન નજીકના સૂંઢા ગામે જવાની હતી.પોતાના લગ્ન હોઈ શિક્ષિત આર્મીમેન વરરાજાએ ઘોડે ચઢી, જાનૈયાઓ સાથે બેન્ડ બાજા સાથે જાન લઈ નીકળ્યા હતા. જોકે સરીપડા ગામે આજે 21મી સદીના વિકસિત યુગમાં પણ દલિતોને સૂવર્ણો જેમ ગામમાં ઘોડે ચઢવા પર પ્રતિબંધ છે.જેથી ગામના ઠાકોર કોમના લોકોએ વરરાજાને ઘોડે ચઢેલા જોઈ, તેમને રોકી બબાલ કરી હતી, જોકે આર્મીમાં રહેલ શિક્ષિત એવા વરરાજા આકાશભાઇ કોઇટીયાએ ઘોડેથી ઉતરવાની ના પાડતા ગામના ૫૦થી વધુના ટોળાએ પોલીસ નીં હાજરીમાં પથ્થરમારો કરી શાંતિભંગ કરતા અફ્રાતફ્રી મચી હતી.જ્યારે બીજી તરફ મામલો બીચક્તો જોઈ ગઢ પોલીસે ડીસા, પાલનપુરનીં પોલીસ બોલાવી હતી અને વરરાજા તેમજ જાનૈયાઓને પ્રોટકશન પૂરું પાડી સૂંઢા ગામ સુધી રક્ષણ પૂરું પાડતા વરરાજાએ ફેરા ફરી લગ્ન સંપન્ન કર્યા હતા. જોકે પથ્થરમારામાં વૃદ્ધ સહિત ત્રણ લોકોને ઇજાઓ થતા તેમણે 108 મારફ્તે પાલનપુર સારવાર અર્થે ખસેડેલ છે. જ્યારે ગઢ પોલીસે કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે સરીપડા ગામે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
 
ઘાયલ ઈશ્વરભાઇ હીરાભાઈ શેખલિયા ઉંમર વર્ષ ૬૫નાઓએ પાલનપુર હોસ્પિટલ બિછાને થી જણાવેલ કે ગામમાં વર્ષોથી દલિત વરરાજાઓ નો ઘોડે ચઢી જાન લઈ જવાનો અધિકાર બંધ કરાયેલ છે. જોકે આજે વરરાજાએ ઘોડે ચઢતાં ગામના ઠાકોર સમાજના લોકોએ પથ્થરમારો કરી બબાલ કરી હતી. જેમાં મને માથામાં પથ્થર વાગતા ઈજા થઈ છે.
 
ગઢ પોલીસ મથકના PSOએ જણાવ્યું હતું કે સરીપડા ગામે બનેલ બનાવમાં હજુ સુધી કોઈ પક્ષ ફ્રિયાદ આપવા આવેલ નથી.જેથી FIRનોંધી નથી. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સરીપડા ગામે બે PSI તેમજ 16 પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ મોડમાં બંદોબસ્તમાં રખાયા છે.