શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (16:22 IST)

રાજકોટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો પર પોલીસનો બળપ્રયોગ, 25ની અટકાયત

રાજકોટ બેડી યાર્ડમાં  આજે પાસેની સોસાયટીના લોકો, ખેડૂતો, વેપારીઓ, એજન્ટો યાર્ડ બહાર હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે જ બેસી ગયા હતા. આથી રોડ ચક્કાજામ થતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ રસ્તા પર ટાયર સળગાવતા વાહનચાલકોને થંભી જવાની ફરજ પડી હતી. જો કે, પોલીસ આવતા જ તમામ લોકો યાર્ડ અંદર જતા રહ્યા હતા અને પોલીસ પર હળવો પથ્થરમારો કર્યો હતો. પોલીસે 25થી વધુ વેપારીઓ, ખેડૂતોની અટકાયત શરૂ કરી છે. કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીની અટકાયત કરતા જ વેપારીઓ અને ખેડૂતો વિફર્યા હતા. પોલીસે પણ બળપ્રયોગ કર્યો હતો. આથી બેથી ત્રણ વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી છે.ખેડૂતો અને વેપારીઓ રસ્તા પર બેસી જતા વાહનચાલકોને થંભી જવું પડ્યું હતું. આથી મોરબીથી રાજકોટ આવતા અને રાજકોટથી મોરબી તરફ જતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ટ્રાફિકજામને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે પોલીસ આવતા જ ખેડૂતો અને વેપારીઓ યાર્ડમાં ઘૂસી ગયા હતા અને મેઇન ગેટ બંધ કરી પોલીસ પર હળવો પથ્થરમારો કર્યો હતો. આથી પોલીસના ધાડેધાડે માર્કેટીંગ યાર્ડ બહાર ઉતારી દેવામાં આવ્યા છે. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે પણ પથ્થરમારો કર્યો છે. પોલીસ અમને દબાવી રહી છે. અતુલ કમાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસે અમારા પર લાઠીચાર્જ કર્યો હતો. યાર્ડની અંદર પોલીસ મજૂરોને ગોતી ગોતીને પકડી રહી છે.