રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑગસ્ટ 2021 (14:45 IST)

વડોદરા પાસે નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ આઇસર ટેમ્પો ઘૂસી ગયો, ક્લીનરનું મોત

વડોદરા પાસે નેશનલ હાઇવે નં-48 ઉપર ગોલ્ડન ચોકડી અને દેણા ચોકડીની વચ્ચે ટ્રક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ક્લીનરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. કર્ણાટકથી માલ ભરીને બે ટ્રક ગાંધીધામ જોવા માટે નીકળી હતી. દરમિયાન આજે મળસ્કે ગોલ્ડન ચોકડીથી દેણા ચોકડીની વચ્ચે એક ટ્રક ખોટકાતા રસ્તા વચ્ચે અટકી પડી હતી. જેથી ખોટકાયેલા ટ્રકને સાંકળથી બાંધવાનું કામ બંધ પડેલી ટ્રકના ડ્રાઇવર સત્યનારાયણ દરોગા અને ક્લીનર મોહન કંજર(બંને રહે, રાજસ્થાન) કરી રહ્યા હતા. તેવામાં અચાનક પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા આઇસર ટેમ્પો બંધ પડેલા ટ્રેલર ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રેલર ટોઈંગ કરવા માટે સાંકળ બાંધી રહેલા મોહન અને સત્યનારાયણને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ક્લીનર મોહનનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ડ્રાઇવર સત્યનારાયણને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા આઇસર ટેમ્પો ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા વડોદરા શહેર નજીકના આજવા બ્રિજ પર પુરઝડપે જઇ રહેલી ટ્રકે અડફેટે લેતા સયાજીપુરા ગામના યુવક વિપુલ ઘનશ્યામભાઇ ભાલીયા(ઉ.24)ને અડફટે લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ બાપોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.આ પહેલા 5 દિવસ પહેલા વડોદરાના ન્યુ સમા રોડ ઉપર રહેતા ઇશ્વરભાઇ ગોરડીયા પોતાનું સ્કૂટર લઇને સિટીમાં કામ માટે નીકળ્યા હતા. તેઓ અમિતનગર સર્કલથી સમા તરફ જઇ રહ્યા હતા. તે સમયે પુરપાટ ઝડપે પસાર થઇ રહેલી પીકઅપ વાને તેઓને અડફેટે લેતા રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. રોડ ઉપર પટકાતા તેઓને માથા સહિત શરીરમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં તુરંત જ એમ્બ્યુલન્સ સ્થળ પર આવી પહોંચી હતી. પરંતુ, સ્કૂટર ચાલકને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેઓનું સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતું.