બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ડિસેમ્બર 2019 (10:10 IST)

વડોદરા દુષ્કર્મના બંને આરોપીઓ પોલીસની પકડાયા, કરતા હતા આ કામ

વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં 28 નવેમ્બરની રાત્રે સગીરા પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતું અને યુવતીને ઢોર માર માર્યો હતો. આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 9 દિવસ બાદ બે આરોપીઓને શંકાના આધારે રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે.
 
મળતી માહિતી મુજબ, વડોદરા દુષ્કર્મ મામલે આરોપીની શોધખોળ કરવા માટે વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય પોલીસની ટીમો જોડાઈ હતી. કલેક્ટર દ્રારા 5 વિધાનસભાના મતદાતાઓના ડેટા મંગાવવામાં આવ્યા હતા. પોલીસ દ્રારા હજારો લોકોની પુછપરછ કરવામાં આવી હતી. પોલીસે સ્કેચ સાથે આરોપીઓના ચહેરાથી 95 ટકા મેચ થતા બે આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને પીડિતા સમક્ષ રજૂ કરવામાં આવશે. જો પીડિતા બંને આરોપીઓને ઓળખી પાડશે તો પોલીસ દ્રારા આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ઝડપાયેલા આરોપીઓમાં એક આરોપીનું નામ કિશોર કાળુભાઈ માથાસુરિયા (21) છે જે તરસાલીમાં રહેતો હતો જ્યારે તે મૂળ આણંદ જિલ્લાનો છે, અન્ય આરોપી જશો સોલંકી (21) જે પણ તરસાલીનો રહેવાસી છે અને મૂળ રાજકોટનો છે. આ બન્ને આરોપીઓ લગ્ન પ્રસંગમાં અને તરસાલીની આસપાસ ફૂગ્ગા વેચવા સહિતના છૂટક કામ કરતા હતા. આરોપીઓની પોલીસ પ્રાથમિક તપાસ કરી જેમાં તેમણે મારા-મારી, ચોરી, ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોવાનું કબૂલ્યું છે. આરોપીઓની વધુ તપાસમાં અન્ય ગુનાની તેઓ કબૂલે તેવી શક્યતા છે. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે, આ બન્ને આરોપીઓને આજે વડોદરા પોલીસને સોંપવામાં આવશે.
 
ઉલ્લેખનીય છે કે, નવલખી કંપાઉન્ડમાં આ સગીરા પોતાનાં મિત્ર સાથે બેઠી હતી. ત્યાં બે યુવાનોએ પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપીને કિશોરીનાં મંગેતરને લાકડીઓથી માર માર્યો હતો. જે બાદ આ કિશોરીને ખેંચીને થોડે દૂર રહી ગયા હતાં. જ્યાં 45 મિનિટ સુધી સગીરા પર બંન્ને યુવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ તેઓ પીડિતાને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયા હતાં. આ દરમિયાન પોલીસને ફોન લાગ્યો ન હતો જેથી યુવકે પોતાનાં મિત્રને ફોન કર્યો હતો. જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 14 વર્ષની સગીરાનાં વર્ણનને પોલીસે સુરતના 3D આર્ટિસ્ટ પાસે નવા સ્કેચ તૈયાર કરાવ્યા હતા. આ સ્કેચ આરોપીઓના ચહેરાથી 95 ટકા મેચ થયા હતા.