1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 7 ડિસેમ્બર 2019 (17:26 IST)

વડોદરા ગેંગરેપમાં પોલીસે શંકાના આધારે રાજસ્થાનથી બે શખ્સોની અટકાયત કરી

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેમાં શંકાને આધારે આજે રાજસ્થાનમાંથી બે શખ્સોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે અત્યાર સુધીમાં વડોદરા શહેરના સેંકડો યુવાનોને રાઉન્ડ અપ કર્યા છતાં ઘટનાના 9માં દિવસે પણ પોલીસ સફળતાથી છેટી છે. વડોદરામાં નવલખી કંપાઉન્ડમાં આ સગીરા પોતાનાં મિત્ર સાથે બેઠી હતી. ત્યાં બે યુવાનોએ પોતે પોલીસ છે તેવી ઓળખાણ આપીને કિશોરીનાં મંગેતરને લાકડીઓથી માર માર્યો હતો. જે બાદ આ કિશોરીને ખેંચીને થોડે દૂર રહી ગયા હતાં. જ્યાં 45 મિનિટ સુધી સગીરા પર બંન્ને યુવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ તેઓ પીડિતાને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયા હતાં.

આ દરમિયાન પોલીસને ફોન લાગ્યો ન હતો જેથી યુવકે પોતાનાં મિત્રને ફોન કર્યો હતો. જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 14 વર્ષની સગીરાનાં વર્ણનને પોલીસે સુરતના 3D આર્ટિસ્ટ પાસે નવા સ્કેચ તૈયાર કરાવ્યા હતા. આ સ્કેચ આરોપીઓના ચહેરાથી 95 ટકા મેચ થયા હતા. અગાઉ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વડોદરા દોડી ગયા હતા. જોકે, જાડેજાએ મીડિયાના કેમેરા સામે પીડિતાના ઘરની મુલાકાત લેતા તેની ઓળખ છતી થઈ ગઈ હતી. આ મામલે ખૂબ વિવાદ સર્જાયો હતો. તેમણે પીડિતાને કોર્ટના નિયમ મુજબ વહેલી તકે સહાય મળે તેના માટેની તજવીજ હાથ ધરવાનું જણાવ્યું હતું. અગાઉ પોલીસ કમિશનર ગહેલોતે બળાત્કારીઓને ઝડપી પાડવા 300થી વધુ શકમન્દોને રાઉન્ડ અપ કર્યા છે. સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર નરાધમો આ વિસ્તારથી પૂરેપૂરા વાકેફ હોવાનું નિવેદન આપ્યું હતું. ડીસ્ટ્રીક કોર્ટ દ્વારા સગીરાને રૂા. 7 લાખની સહાયની ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી હતી. અને પોલીસને પણ ઝડપથી ગુનેગારો સુધી પહોંચવા માટે તાકીદ આપવામાં આવી હતી