ઘરેથી મોડેલ બનવા ભાગી ગયેલી આઠમા ધોરણની કિશોરી ગેંગરેપનો શિકાર બની

Last Modified શુક્રવાર, 8 નવેમ્બર 2019 (12:06 IST)

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી કિશોરી મૉડલ બનવા માટે ઘરેથી ભાગી હતી. જે બાદમાં ગેંગરેપનો શિકાર બની હતી. કિશોરી પર તેના મિત્ર અને બે અન્ય લોકોએ ગેંગરેપ કર્યો હતો. આ મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધીને કિશોરીના પ્રેમી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીમાં બે સગીર વયના હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરા વિસ્તારમાં રહેતી અને ધોરણ-8માં અભ્યાસ કરતી 12 વર્ષની કિશોરીનું મૉડલ બનવાનું સપનું હતું. આ દરમિયાન તેના સંપર્કમાં એક કિશોર આવ્યો હતો. આ કિશોર સાથે સગીરાને પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદમાં સગીરાનો કિશોર પ્રેમી તેને મૉડલ બનાવવાની વાત કરીને તેને મુંબઈ લઈ જવાનું કહીને ઘરેથી ભગાડી ગયો હતો. તરુણીને ભગાડ્યા બાદ તેના પ્રેમી અને તેના એક મિત્રએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં કિશોરીને રિક્ષામાં સ્ટેશન મોકલવામાં આવી હતી. આ દરમિયાન રિક્ષા ચાલકે પણ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ કિશોરીના પરિવારજનોએ દીકરીની શોધખોળ શરૂ કરી હતી અને લિંબાયત પોલીસનો સંપર્ક કર્યો હતો. લિંબાયત પોલીસે કિશોરીને શોધવા માટે અલગ અલગ ત્રણ ટીમ બનાવી હતી.પોલીસની કાર્યવાહીથી ગણતરીની કલાકોમાં જ કિશોરી મળી આવી હતી. કિશોરીની પૂછપરછ દરમિયાન તેણે પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી આપી હતી. કિસોરી સાથે ગેંગરેપ થયાનું જાણ્યા બાદ પોલીસે તેની ફરિયાદ લઈને તેના પ્રેમી અને તેના મિત્ર તેમજ રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે કિશોરીને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંથી તરુણીનો પ્રેમી અને તેની મિત્ર કિશોર હોવાનું માલુમ પડ્યું છે.


આ પણ વાંચો :