શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (14:36 IST)

ટ્રેનમાં વાપીની મહિલાનું છાતીમાં દુખાવા બાદ સુરતમાં સારવાર વગર મોત

વિકાસનાં શિખરો સર કરતાં ભારતમાં પશ્ચિમ રેલવેની બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં વાપીની મહિલાનું છાતીમાં દુખાવા બાદ સારવાર વગર મોત નીપજ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે 5 વાગે બનેલી આ ઘટના બાદ સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર ટ્રેનને સ્ટોપેજ આપી 108માં સારવાર માટે સિવિલ લઈ આવતાં ડોક્ટરોએ મીરાબેન માળી નામની મહિલાને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.વાપીથી જલગાંવ જઇ રહેલાં મૃતક મીરાબેનનાં માસૂમ બાળકોએ કહ્યું હતું કે મમ્મીને છાતીમાં દુખાવો ઊપડ્યા બાદ અન્ય મુસાફરો ખેંચ આવી છે કહી કાંદા-ચપ્પલ સુગાડવાની સલાહ આપતા હતા. જ્યારે મમ્મી ડોક્ટર કો બુલાવોની બૂમો પાડતી હતી. પત્નીના મોતને નજરે જોનારા પીડિત પતિએ કહ્યું હતું કે જો ટ્રેનમાં રિઝર્વેશન કરાવી મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ઇમર્જન્સી સેવામાં આવતી તબીબી સેવા સમયસર ન મળે તો દેશનો આ વિકાસ કોઈ કામનો ન કહેવાય.વાપી-સેલવાસના બ્રહ્માંડ એપાર્ટમેન્ટમાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવના મીરાબેન અશોકભાઈ માળી (ઉં.વ.42) પરિવાર સાથે રહેતાં હતાં. પરિવારમાં બે બાળકો અને પતિ છે. પતિ વાપીની કંપનીમાં નોકરી કરે છે. લોકડાઉન બાદ પહેલીવાર 10 દિવસ માટે વતન જવાનું આયોજન કર્યું હતું, જેથી બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં રિઝર્વેશનમાં એસ-4 કોચમાં ટિકિટ બુકિંગ કરી હતી. વાપીથી સવારે 3:30 વાગે ટ્રેનમાં બેઠા હતા. દરમિયાન સુરતનું ભેસ્તાન રેલવે સ્ટેશન આવવાની 15 મિનિટ પહેલાં છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. ભેસ્તાન સ્ટેશન પર ઊતર્યા બાદ 10 મિનિટ પછી 108 આવી હતી. પતિએ કહ્યું હતું કે કોઈ મદદ ન મળી એ જ પત્નીનું મોતનું કારણ છે.