સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (11:27 IST)

સાવરકરની 52 પૂણ્યતિથિ પર પરમવીરચક્ર વિજેતા કેપ્ટન બાનાસિંહનું સન્માન

વીર સાવરકર સ્મૃતિ કેન્દ્ર દ્વારા સાવરકરની બાવનમી પૂણ્યતિથિ પર પરમવીરચક્ર વિજેતા કેપ્ટન બાનાસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું. કેપ્ટન બાનાસિંહ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પરમવીર ચક્ર સન્માન અપ્રિતમ શૌર્ય દાખવીને શહીદ થનારાંને મળતું હોય છે. પરમવીર ચક્ર મોટે ભાગે મરણોત્તર જ હોય છે. આમ છતાં મને મળ્યું તે સદભાગ્ય છે. સૈનિકોને લશ્કરમાં ભરતી થતાં ખબર હોય છે કે ગોળીઓ મારવા અને મરવા માટે જ બનતી હોય છે.

સિયાચીનની લડાઇ અંગે બોલતાં કેપ્ટન બાનાસિંહ જણાવ્યું હતું કે, અમે સિયાચીનના બેઝકેમ્પમાં હતાં. અચાનક આદેશ મળ્યો કે, ભારતે વ્યૂહાત્મક કારણોસર સીયાચીન પર કબજો મેળવવો જરૃરી છે, લશ્કરમાં મોજ હોય છે, માત્ર એક જ કામ હોય છે ગમે તે ક્ષણે મરવા માટે તૈયાર રહેવું પડે. ૧૯૮૭માં સિયાચીન પર કબજો મેળવવાનું નક્કી કરાયું હતું. સિયાચીનમાં -૪૫ ડિગ્રીમાં ૧૨૦ કિમી ઝડપે ફૂંકાતા ઠંડા પવનો વચ્ચે ૨૧,૨૦૦ ફૂટની ઊંચાઇ પર ભારતે અશક્ય લાગતો વિજય મેળવ્યો, તે ચોકીનું નામ મારા નામ પર અપાયું હતું.

વીર સાવરકરના ૫૨મી પૂણ્યતિથિ પર યોજાયેલાં કાર્યક્રમમાં પરમવીરચક્ર સન્માનિત કેપ્ટન બાનાસિંહે જણાવ્યું હતું. સિયાચીનની આપણી પોસ્ટ પર પહોંચ્યા બાદ અમારા મેજરે પાકિસ્તાનના કબજામાં રહેલાં સિયાચીનના સૌથી ઉપરની પોસ્ટ પરની માહિતી મેળવવા નાની ટીમ મોકલી હતી. આ ટીમને ૯૦ ડિગ્રી ચઢાણ પર જવાનું હતું. ટોચ પર ગયેલી ટીમમાં અજાણ્યા હોવાથી આઠ જણા ઉપર શહીદ થયાં હતાં. નવી ટીમને તૈયાર રહેવાનું જણાવવામાં આવ્યું. આ વખતે અશક્ય લાગે તે રીતે પાછળથી હુમલો કરવાનું નક્કી કરવામાં આવ્યું. એકવીસ હજાર ફૂટની ઊંંચાઇ પર હુમલો કરતાં અગાઉ કવર આપવા માટે સત્તર હજાર ફૂટની ઊંચાઇ પરથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. -૪૫ ડિગ્રી ઠંડીમાં અમારા હથિયારો પણ સરખી રીતે કામ કરતાં ન હતાં, હેલિકોપ્ટરોએ અમને હથિયારો પૂરા પાડવા માટે ૪૦૦ ટ્રિપ મારી હતી. અમારી ટીમ પાછળથી હુમલો કરવા તૈયાર હતી, બેઝ કેમ્પમાંથી સવારે આઠ વાગે અમે ૬૨ સૈનિકો નીકળ્યાં, બીજા દિવસે સવારે ચાર વાગે અમે માત્ર ૧૫૦ મીટર જ આગળ વધી શકયાં હતાં. અમારા મેજરે આદેશ આપ્યો હતો કે, જો ના પહોંચે શકીએ તો ગોળી ખાવા તૈયાર રહેવું. અમે ફરીથી તૈયાર થઇને નીકળ્યાં. સાવ સીધા ચઠાણ પર અમે આગળ વધતાં અનેક સાથીઓ રસ્તામાં પ્રાણ ખોયો હતો. તેમને અમે મદદ પણ કરી શકીએ તે સ્થિતિમાં ન હતાં. અમને કવર કરવા માટે સત્તર હજાર ફૂટ પરથી ફાયરિંગ કરતાં ભારતીય સૈનિકોએ સામી છાતીએ લડાઇ લડતાં ગોળીઓ ખાતાં અનેક સૈનિકો શહીદ થયાં હતાં. ૨૧,૨૦૦ ફૂટ પર લડાઇ થતાં પાકિસ્તાની સૈનિકો ભાગી ગયાં હતાં. ભારતના વધુ સૈનિકો વળતાં હુમલામાં ભોગ ન બને તે માત્ર ચાર સૈનિકોને ચોકી પર રાખવામાં આવ્યાં. ભારતીય સૈનિકોની કુમક આવી પહોંચતા કાયદે આઝમ ચોકીને અશક્ય સંજોગોમાં સાચવીને બેઠેલાં કેપ્ટન બાનાસિંહ નામ આપવામાં આવ્યું હતું. કેપ્ટન બાનાસિંહે યુવાનોને ડોક્ટરી, પ્રોફેસર કે એન્જિનિયરિંગ જેવા સલામત ક્ષેત્રોને છોડીને સૈન્યમાં જોડાવા જણાવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદરમી ઓગસ્ટના રોજ ધ્વજ ફરકાવે છે તેમાં સાથ આપતો યુવાન વડોદરાનો છે. વડોદરામાં પરમવીરચક્ર વિજેતા બાનાસિંહ હોટલમાં જમવા માટે ગયાં, ત્યારે વડોદરાવાસીઓએ ઉભા થઇને તેને સન્માન આપ્યું હતું. ભારતીય સેનાના સૌથી ઉંચું સન્માન પરમવીર ચક્ર ૨૧ સૈનિકોને મળ્યું છે. જેમાંથી માત્ર ત્રણ જ પરમવીરચક્રધારક જીવીત છે.