શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (13:28 IST)

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સેવા પ્રદાન કરનાર ગુજરાતીઓનું સન્માન

ગુજરાતીઓએ પોતાની કુનેહ - કાબેલિયત - પુરુષાર્થર્થી વિશ્વમાં ડંકો વગાડ્યો
 
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના એ ગુજરાતીઓની ખાસિયત છે. આપણા અસ્તિત્વમાં ગુજરાતી ભાષાના વૈભવનુ અમૂલ્ય યોગદાન છે ત્યારે આપણા અમુલખ વારસાને જાળવવા  ગુજરાતી ભાષાનું જતન કરી તેની પ્રતિષ્ઠા વધારીએ તે સમયની માંગ છે.
 
અમદાવાદ ખાતે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સેવા પ્રદાન કરનાર ગુજરાતીઓ ના સન્માન પ્રસંગે  આહવાન કરતાં પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે રાજ્ય, દેશ કે વિશ્વમાં કાર્યરત એવા તમામ ગુજરાતી સમાજો - સંગઠનો એક છત્ર નીચે આવે અને ગુજરાતી ભાષાને જીવંત અને જીવતી રાખવાનો 'કોમન મિનીમમ પ્રોગ્રામ' અમલમાં મૂકે તો ગુજરાત અને ગુજરાતીની મહામુલી સેવા ગણાશે.
 
પુરૂષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની ઓળખ પુરાણકાળથી પ્રસ્થાપિત થયેલી છે એ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આજે પણ 'વૈષ્ણવ જન' ની ધૂન સાંભળતા જ પ્રત્યેક  ગુજરાતીના હૃદયના તાર ઝણઝણવા માંડે તે જ પુરવાર કરે છે કે ગુજરાતી ભાષાનું સામર્થ્ય કેટલું છે. પૂજય ગાંધી બાપુ, સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, નરસિંહ મહેતા, ભોજા બાપા, જલારામબાપા, આપા ગીગા, દયાનંદ સરસ્વતી, શ્રીજી મહારાજ, પ્રમુખસ્વામી જેવા અનેક રાષ્ટ્ર - ધર્મ પુરુષોએ ગુજરાત અને ગુજરાતી ભાષાને એક નવી ઊંચાઈ આપી છે એ શૃંખલામાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ દિવ્ય ગુજરાત- દિવ્ય ભારતના વૈભવને નવી ઊંચાઈએ લઈ જવા કાર્યરત છે. આપણા પૂર્વજોની તપસ્યાએ ગુજરાતીઓને વિશ્વમાં નવી ઓળખ આપી છે.
 
આજે વિશ્વના ડાયમંડ માર્કેટમાં ગુજરાતીઓનો દબદબો છે એ જ રીતે તેવા કેટલાય ક્ષેત્રો છે જેમાં ગુજરાતીઓ પોતાનું સામર્થ્ય પુરવાર કરી ચુક્યા છે વિશ્વ ગુજરાતી સમાજનો ઉલ્લેખ કરી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ સંસ્થા ગુજરતના સંસ્કાર વારસા અને સંસ્કૃતિના જતન સંવર્ધન માટે કાર્યરત છે.
 
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ કહ્યું હતું કે, ગુજરાતીઓએ પોતાની કુનેહ  - કાબેલિયત અને પુરુષાર્થથી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા ગુજરાતના પનોતા પુત્રના આદર્શોને આજે વિશ્વ આખાએ સ્વીકાર્યા છે..ગુજરાતમાં બનેલી સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાએ આખા વિશ્વમાં આકર્ષણ જમાવ્યું છે તે જ રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગ્લોબલ લીડર તરીકે પ્રસ્થાપિત થયા છે. 
 
'જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' એ કહેવત કઈ એમ જ પડી નથી. વિશ્વ આખાએ ગુજરાતના સામર્થ્યને ઓળખ્યું છે અને સ્વીકાર્યું પણ છે, એમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે દિલ્હી વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખ નીતિન આચાર્ય ગુજરાતી શ્રેષ્ઠીઓ અગ્રણીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા