શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (09:22 IST)

Voter ID Online Registration - ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ મતદાર યાદીમાં નામ નોંધાવવું છે ? તો જાણી લો તમામ વિગતો

Voter ID Online Registration - જ્યારે વિશ્વના અન્ય દેશોમાં નાગરિકોએ મતાધિકાર મેળવવા વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો ત્યારે પ્રજાસત્તાકના ઉદય સાથે તમામ ભારતીય નાગરિકોને સાર્વત્રિક પુખ્ત મતાધિકારની બક્ષિસ મળી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રથા ધરાવતો ભારત દેશ સૌથી વધુ યુવાવર્ગ સાથે યંગ નેશન તરીકે ઉભરી રહ્યો છે. ત્યારે ચૂંટણીઓમાં મહત્તમ નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવી મતાધિકાર મેળવે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા પદ્ધતિસરના મતદાર શિક્ષણ અને ચૂંટણીલક્ષી સહભાગીતા (SVEEP) અંતર્ગત અનેકવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.
 
આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૦૧લી ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાલમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે આવો જાણીએ કોણ બની શકે મતદાર ?, મતદાર તરીકે નોંધણી કરાવવા કયું ફોર્મ ભરવું ? અને કયા કયા માધ્યમથી મતદાર યાદીમાં નામ નોંધાવી શકાય ?
 
અગાઉ નવા મતદાર તરીકે નામ નોંધાવવા દર વર્ષે ૧લી જાન્યુઆરીના રોજની લાયકાત ધ્યાને લેવામાં આવતી હતી. તેમાં તાજેતરમાં સુધારો કરવામાં આવતા હવે મતદાર તરીકે નોંધણી માટે વર્ષમાં લાયકાતની વિવિધ ચાર તારીખો નક્કી કરવામાં આવી છે. 
 
એટલે કે, હવે ૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઇ અને ૧લી ઓકટોબરના રોજ કે તે પહેલા જે યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ સામાન્ય રીતે જ્યાં રહેતા હોય તે વિસ્તારની મતદારયાદીમાં મતદાર તરીકે નામ નોંધાવા માટે પાત્રતા ધરાવે છે. આ ઉપરાંત બીજા કોઈ દેશનું નાગરિકત્વ ન સ્વિકાર્યું હોય તેવો શિક્ષણ કે રોજગાર સહિત અન્ય કોઈ કારણોસર ભારતમાં પોતાના નિવાસસ્થાન પર ન રહેતો વ્યક્તિ પણ પોતાના પાસપોર્ટમાં દર્શાવેલા ભારતના નિવાસસ્થાનના મતદાન ક્ષેત્રમાં મતદાર તરીકે પોતાનું નામ નોંધાવવા માટે પાત્રતા ધરાવે છે. જેના માટે તેમણે ફોર્મ નં.૦૬(ક)માં અરજી કરવાની હોય છે.
 
મતદાર યાદીમાં પ્રથમ વખત નામ નોંધણી કરાવવા માટે ફોર્મ-૦૬ ઉપયોગમાં લેવાનું રહેશે. સાથે જ અનાથ નાગરિકના કિસ્સામાં કાયદેસરના વાલી અને ત્રીજી જાતિના કિસ્સામાં ગુરૂની વિગતો પણ સબંધની વિગતોના કોલમમાં આપી શકાશે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો દિવ્યાંગતાની વિગતોના પ્રમાણપત્ર સાથે તેનો ફોર્મ-૦૬માં ઉલ્લેખ કરી શકશે.
 
મતદાર તરીકે નોંધણી કરાવવા સબંધિત ભાગના બુથ લેવલ ઑફિસર, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા, પ્રાંત કચેરી કે મામલતદાર કચેરી ખાતે ફોર્મ નં.૦૬ ભરી મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાશે. આ ઉપરાંત Voter Helpline મોબાઈલ એપ, ચૂંટણી પંચના National Voter’s Service Portal https://www.nvsp.in (NVSP Portal) પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in ના માધ્યમથી પણ ફોર્મ નં.૦૬ ભરી મતદાર તરીકે નોંધણી કરાવવા અરજી કરી શકાશે. સાથે જ મતદાર યાદીમાં પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું નામ છે કે કેમ તે ચકાસી શકશે. આ સિવાય કચેરી કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્યાન હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને પણ મતદાર યાદીમાં નામ છે કે નહીં તે જાણી શકાશે.