શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત , મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (15:20 IST)

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છતમાંથી પાણી ટપક્યું, પ્લાસ્ટિકની ડોલો મુકવી પડી

surat internation airport
surat internation airport


 ભારે વરસાદને કારણે કરોડોના ખર્ચે બનેલા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી ટપકતાં પાણી માટે ડોલો મુકવી પડી છે. જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવાને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો છે. 
 
2000 સ્ક્વેર ફૂટ એરિયા બ્લોક કરી દેવાયો
એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓએ કહ્યું હતું કે, બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રિનોવેટ થયા પછી આ પાણી નહીં ટપકે. સુરત એરપોર્ટનો આ પેસેન્જર ઓપરેશનલ એરિયા આમ પણ નાનો પડતો હતો. કારણ કે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ નવા વિસ્તરણ પામેલા ટર્મિનલ બિલ્ડિંગના મોટાભાગના વિસ્તાર માટે સિક્યોરિટી ક્લિયરન્સ આપ્યું નથી. જૂના ટર્મિનલના ફર્સ્ટ ફ્લોર અને એરોબ્રિજની લોબી પાસેનો 2000 સ્ક્વેર ફૂટ એરિયા બેરિકેડ કરી બ્લોક કરવાને લીધે પેસેન્જરોને અગવડતા રહેશે.
 
દર વર્ષે મેઇન્ટેનન્સની કામગીરી કરાવવામાં આવે છે
એરપોર્ટ ખાતે દર વર્ષે મેઇન્ટેનન્સની કામગીરી કરાવવામાં આવે છે. તેમ છતાં જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું હોવાની બૂમ ઊઠી છે. 2009માં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલે આ ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું. છેલ્લાં 3 વર્ષમાં એરપોર્ટ પર રિપેરિંગ અને મેઇન્ટેનન્સ પાછળ 18.51 કરોડ ખર્ચાયા છે. છતાં ટર્મિનલ બિલ્ડિંગમાં પાણી ટપકે છે. AAIના સૂત્રો કહે છે કે, 3 વર્ષમાં અનુક્રમે 3.71 કરોડ, 4.63 કરોડ અને 10.17 કરોડનો ખર્ચ રિપેરિંગ અને મેઇન્ટેનન્સ પાછળ કરાયો છે.