રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 22 જૂન 2023 (18:05 IST)

Weather News- ચોમાસા અંગે હવામાન વિભાગની આગાહી

બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો છે. કેટલાક જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં અનેક ગણો વધારે વરસાદ પડી ગયો છે.
 
વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમની સૌથી વધારે અસર રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થઈ છે.
 
અહીં અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે અને ગામોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
 
બીજી તરફ ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સુધી પહોંચ્યું છે જે બાદ તેની પ્રગતિ ધીમી પડી ગઈ છે. કોકણના વિસ્તારોથી ચોમાસું છેલ્લા 9 દિવસથી આગળ વધ્યું નથી.
 
જોકે, હવામાન વિભાગનું કહેવું છે કે 2થી 3 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિ સર્જાવાની શક્યતા છે. બીજી ખાનગી હવામાન એજન્સીનું કહેવું છે કે બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર સિસ્ટમ બનશે.
 
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આવનારા દિવસોમાં ચોમાસું ઝડપથી પ્રગતિ કરશે અને ગુજરાત સહિતના પ્રદેશોને આવરી લેશે.
 
સ્કાયમેટના કહેવા પ્રમાણે 24 કે 25 તારીખની આસપાસ આ સિસ્ટમ બનશે અને પછી ભારતના ભૂ-ભાગો પર આગળ વધશે.આ વર્ષે ચોમાસાની શરૂઆત તેના નિર્ધારિત સમય કરતાં 7 દિવસ મોડી થઈ હતી.કેરળમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 1 જૂનના રોજ થતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું કેરળમાં 8 જૂનના રોજ પહોંચ્યું હતું.
 
હવામાન વિભાગની લાંબાગાળાની આગાહી પ્રમાણે ગુજરાતમાં 25 જૂનની આસપાસ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે. જ્યારે સ્કાયમેટ વેધરના 15 દિવસના અનુમાન મુજબ ગુજરાતમાં 24 તારીખની આસપાસ ફરી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે.