ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2023 (09:51 IST)

અરબી સમુદ્રમાં સર્જાનારું વાવાઝોડું ગુજરાત પર આવશે કે નહીં?

અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે, પરંતુ તે કઈ તરફ જશે તેના વિશે ખૂબ મતમતાંતર છે. એક તરફ ભારતમાં ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે, ચોમાસું અરબી સમુદ્ર સુધી પહોંચી ચૂક્યું છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.
 
હવામાન વિભાગનું કહેવું છે કે 5 જૂનના રોજ અરબી સમુદ્રમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાશે. એનો અર્થ એ છે કે તે એક પ્રાથમિક સિસ્ટમ હશે. જે બાદ આ સિસ્ટમ આગામી 48 કલાકમાં મજબૂત બનશે અને તે લૉ-પ્રેશર એરિયા બનશે. જો આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો અરબી સમુદ્રમાં આ વર્ષનો તે પ્રથમ ચક્રવાત હશે અને તેનું નામ બિપોરજોય હશે. જે નામ બાંગ્લાદેશે આપ્યું છે.
 
આ પહેલાં વર્ષ 2021માં ગુજરાત પર અતિ-ભીષણ વાવાઝોડું તૌકતે ત્રાટક્યું હતું. મે મહિનાના મધ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા આ વાવાઝોડાએ ગુજરાતમાં ભારે વિનાશ વેર્યો હતો. તૌકતે વાવાઝોડામાં પવનની ગતિ પ્રતિ કલાકના 220 કિલોમિટર સુધી પહોંચી હતી.
 
અરબી સમુદ્રમાં કઈ તારીખે વાવાઝોડું સર્જાશે?
 
 
એક તરફ અરબી સમુદ્રમાં ચોમાસું પહોંચી ગયું છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં જ એક સિસ્ટમ બની રહી છે. જે વાવાઝોડું બને તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે વિવિધ મૉડલો વિવિધ સ્થિતિ દર્શાવી રહ્યાં છે.
 
ECMWF (યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ) મૉડલ દર્શાવી રહ્યું છે કે અરબી સમુદ્રમાં 5 જૂનની આસપાસ સિસ્ટમ બનશે અને 8 જૂન સુધીમાં તે મજબૂત બનીને ડિપ્રેશન બનશે.
 
GFS (ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ) મૉડલ દર્શાવી રહ્યું છે કે 6 જૂનની આસપાસ સિસ્ટમ બનશે અને 8 જૂનની આસપાસ તે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાશે. જે બાદ તે વાવાઝોડું બનશે.
 
ભારતનું હવામાન વિભાગ વાવાઝોડા અને વરસાદની આગાહી માટે પોતાના મૉડલનો ઉપયોગ કરે છે. એ અનુસાર 12 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનશે.
 
જ્યારે વેધર ચેનલના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે. જે આ વર્ષનું અરબી સમુદ્રનું પ્રથમ વાવાઝોડું હશે.
 
વાવાઝોડું ગુજરાત પર આવશે કે નહીં?
 
અરબી સમુદ્રમાં બનનારી આ સિસ્ટમ મામલે હજી ઘણાં મતમતાંતર છે. સિસ્ટમ ક્યારે બનશેથી લઈને અરબી સમુદ્રના કયા વિસ્તારોમાં બનશે તેના વિશે પણ વિશ્વભરનાં મૉડલમાં સામ્યતા જોવા મળતી નથી.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમ કઈ તરફ જશે તેના વિશે પણ અલગ અલગ મૉડલ અલગ અલગ ટ્રૅક દર્શાવી રહ્યાં છે.
 
કેટલાંક મૉડલમાં તે ઓમાન તરફ જશે તેવી આગાહી કરાઈ છે, તો કેટલાક મૉડલમાં તે ગુજરાતની પાસેથી પસાર થઈ પાકિસ્તાન તરફ જશે એવી આગાહી કરાઈ છે.
 
સામાન્ય રીતે લૉ-પ્રેશર એરિયા બને તે બાદ વાવાઝોડાનો ટ્રૅક નક્કી થતો હોય છે. આ પહેલાં વિષુવવૃતિય ચક્રવાતનો ટ્રૅક નક્કી કરવો ખૂબ મુશ્કેલ હોય છે.
 
સિસ્ટમ બન્યા બાદ જ ખબર પડશે કે તે ગુજરાત તરફ આવશે કે નહીં, જો આવશે તો કયા વિસ્તારોને અસર કરશે. અત્યારથી વાવાઝોડું ક્યાં ત્રાટકશે તેનું અનુમાન કરવું મુશ્કેલ છે.
 
અરબી સમુદ્ર કેટલો ગરમ છે?
હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્રનું તાપમાન વાવાઝોડું સર્જાય તે માટે અનુકૂળ છે. અરબી સમુદ્રની જળસપાટીનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયની આસપાસ છે. જો સિસ્ટમ સર્જાય તો તેને મજબૂત બનાવવા માટે આટલું તાપમાન પૂરતું છે.
 
વેધર ચેનલના રિપોર્ટ પ્રમાણે વર્ષના આ સમયગાળામાં ઉત્તર હિંદ મહાસાગરમાં વાવાઝોડાં બનવા માટેનો અનુકૂળ સમય છે. સામાન્ય રીતે એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાં બનતાં હોય છે.
 
એપ્રિલથી જૂન મહિના સુધીનો ગાળો જેને સામાન્ય રીતે ચોમાસા પહેલાંનો ગાળો ગણવામાં આવે છે, તેમાં વાવાઝોડાં બનવા માટે અનુકૂળ સ્થિતિ હોય છે. જેમાં દરિયાનું ગરમ પાણી અને હવામાનની અનુકૂળ સ્થિતિને કારણે વધારે વાવાઝોડાં સર્જાય છે.
 
છેલ્લાં ઘણાં વર્ષોમાં આ ગાળા દરમિયાન ભારત પર ખૂબ મોટાં વાવઝોડાં આવ્યાં છે. જેને કારણે ઘણી વખત ચોમાસાની પ્રગતિને પણ અસર થઈ છે. ક્યારેક ચોમાસું વહેલું આવી ગયું તો ક્યારેક વાવાઝોડાને કારણે ચોમાસું મોડું થયું હતું.
 
આ વર્ષે હવે જો વાવાઝોડું સર્જાય તો એ જોવાનું રહેશે કે તેની અસર ચોમાસા પર કેવી થશે. વાવાઝોડું ગુજરાતની પાસેથી પસાર થશે તો પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.
 
જો ગુજરાત પર જ વાવાઝોડું આવશે તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.