ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 12 ડિસેમ્બર 2022 (09:56 IST)

Gujarat Eletion Result : ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે વિજેતા બનેલા કૉંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલ કોણ છે?

anat patel
ગુજરાત ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે અને કૉંગ્રેસનો કારમો પરાજ્ય.
 
આદિવાસી આક્રોશને પગલે સરકારે ચૂંટણી પહેલાં રદ કરેલી પાર-તાપી પરિયોજનાના વિરોધથી ચર્ચામાં આવેલા વાંસદા જિલ્લાના ધારાસભ્ય અનંત પટેલે ભાજપની રેકૉર્ડબ્રૅક જીત વચ્ચે પણ પોતાનો ગઢ સાચવી રાખ્યો છે.
 
દક્ષિણ ગુજરાતમાં યુવા આદિવાસી નેતા તરીકે પ્રખ્યાત અનંત પટેલની સામે આ વખતે ભાજપ, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને હતા.
 
અનંત પટેલને કુલ 1,24,477 મત મળ્યા હતા, જ્યારે બીજા નંબરે ભાજપના ઉમેદવારો પીયૂષકુમાર પટેલને 89,444 મત મળ્યા હતા.
 
ત્રીજા નંબરે આવેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલને 16,718 મત મળ્યા હતા.
 
કોણ છે અનંત પટેલ?
 
40 વર્ષીય અનંત પટેલે એમ.એ., બી.એડ.નો અભ્યાસ કર્યો છે અને ખેતી તથા ટ્યુશન દ્વારા આજીવિકા રળતા હોવાની સત્તાવાર જાહેરાત કરી છે.
 
તેઓ વાંસદા તાલુકા પંચાયતના સભ્ય અને પછી અધ્યક્ષ પણ બન્યા હતા. તેઓ ગુજરાત કૉંગ્રેસના યુવા મોરચાના મંત્રીપદ સુધી પહોંચ્યા અને સતત બે ટર્મથી વાંસદા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે પાર-તાપી-નર્મદા સહિતની નદીઓના જોડાણની પાંચ પરિયોજનાના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર છે. લાભાર્થી રાજ્યો વચ્ચે સહમતી સધાય એટલે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે.
 
આ જાહેરાતથી દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ જાહેરાત મુજબ ગુજરાતમાં ચાર ડૅમ બાંધવાની યોજના હતી, જેનું પાણી કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચે.
 
જોકે, તેના કારણે કેટલાંક ગામોના આદિવાસી પરિવારોને તેમની પૈતૃક જમીન છીનવાઈ જવાની ભીતિ હોવાથી આ યોજનાના વિરોધમાં આદિવાસીઓ એક થયા હતા.
 
ડાંગ જિલ્લામાં આ વિરોધપ્રદર્શનનું નેતૃત્વ નવસારી જિલ્લાની અનુસૂચિત જનજાતિ માટે વાંસદા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે લીધું હતું. તેમણે ભાજપના નેતાઓને 'નારંગી ગૅંગ' કહીને તેમની ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
 
પછીના દિવસો દરમિયાન આદિવાસી સમાજના ભારે વિરોધને કારણે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને પડતો મૂકવાની જાહેરાત કરી હતી.
 
કેટલાકને આશંકા છે કે માત્ર ચૂંટણી વર્ષ પૂરતી આ પરિયોજનાને મોકૂફ રાખવામાં આવી છે અને ફરી તેના ઉપર કામ શરૂ થઈ શકે છે.
 
જ્યારે રાહુલ ગાંધીની સભાથી દૂર અન્ય સભા યોજી
 
તા. 10મી મેના રોજ દાહોદ ખાતે યોજાઈ હતી. રાહુલ ગાંધીએ 'આદિવાસી સત્યાગ્રહ'ની શરૂઆત કરાવી હતી, એ રેલીમાં છેલ્લી વખત હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી એકસાથે જોવા મળ્યા હતા.
 
દાહોદમાં કૉંગ્રેસની રેલીને સમાંતર અનંત પટેલે આહવા ખાતે આદિવાસી રેલી યોજી હતી. પાર-તાપી-નર્મદા પરિયોજનાના વિરોધમાં યોજાયેલી એ રેલીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના મહેશ વસાવા પણ સામેલ થયા હતા.
 
આહવાની રેલીમાં કોઈ પક્ષનાં બૅનર ન હતાં. માત્ર બિરસા મુંડાની તસવીરો તથા પરિયોજનાના વિરોધનાં બૅનરો હતાં, જેની ઉપર 'જય જોહાર', 'એક તીર, એક કમાન, આદિવાસી એકસમાન' તથા 'ડૅમ હટાવો, ગામ બચાવો' જેવાં સૂત્રો લખેલાં હતાં.
 
મીડિયા સાથે વાત કરતા અનંત પટેલે કહ્યું હતું કે "અગાઉ પહેલી મે (ગુજરાત સ્થાપના)ના દિવસે અમે રેલી આયોજિત કરવાના હતા, એ દિવસે રાહુલજી આવી રહ્યા હતા, એટલે રેલીને રદ કરી દીધી હતી, એ પછી તા. 10મી મે નક્કી કરવામાં આવી હતી. એ દિવસે પણ રાહુલજીનો કાર્યક્રમ નક્કી થયો હતો. બીજી વખત, મોકૂફ રાખવાથી ખોટો સંદેશ જાય તેમ હોવાથી ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માની 'મંજૂરી લઈને' રેલીમાં ભાગ લીધો હતો."
 
હુમલાના કારણે ફરી આવ્યા ચર્ચામાં
 
અનંત પટેલ તાજેતરમાં ફરી એક વખત ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
 
અનંત પટેલે ખુદ પર હુમલો થયો હોવાની ઘટના વિશે ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ સાથે શૅર કરેલા એક વીડિયોમાં તેમણે પોતાના સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે એકઠા થવા આહ્વાન કર્યું હતું.
 
આ સાથે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી વિરોધપ્રદર્શન ચાલુ રાખવા પણ તેમણે કહ્યું હતું.
 
અનંત પટેલ પર હુમલા અંગે રાહુલ ગાંધી સહિત ટોચના કૉંગ્રેસ નેતાઓએ ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા.
 
હુમલાની વાત વાયુવેગે પ્રસરતાં નવસારી સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો ખેરગામ પહોંચ્યા હતા અને અનંત પટેલ સાથે ધરણાં પર બેસી ગયા હતા.
 
જોકે, ભારે જહેમત બાદ પોલીસે સાંત્વના આપ્યા બાદ લોકો વિખેરાયા હતા.