1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (09:24 IST)

તાપમાનનો પારો આજે 10 ડિગ્રી આસપાસ પહોંચવાની વકી, આજે વર્ષની સૌથી લાંબી 13 કલાકની રાત રહેશે

cold in gujarat weather
આગામી બે દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ બુધવારથી ઠંડી ઘટવાની શક્યતા છે. સોમવારે સમગ્ર રાજ્યમાં 7.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી હતી. મંગળવારે શહેરમાં 13 કલાક 17 મિનિટની લાંબામાં લાંબી રાત્રિ અને ટૂંકામાં ટૂંકો દિવસ રહેશે.સોમવારે પણ સવારથી બપોર સુધી શહેરમાં ઠંડા પવનો યથાવત રહ્યાં હતા. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ઠંડા પવનોનું જોર ઘટતાં આગામી 24થી 48 કલાક દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.કોલ્ડવેવની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. સમગ્ર રાજ્યમાં કચ્છમાં ઠંડીનો પારો 7થી 13 ડિગ્રી વચ્ચે રહેતાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી, જયારે રાજ્યના અન્ય શહેરોમાં ઠંડીનો પારો 13થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. કોલ્ડવેવની અસરથી આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે .હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો કેર યથાવત છે. સોમવારે લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થતા તાપમાનનો પારો થીજી જવાના આરે પહોંચી ગયો છે. મહત્તમ તાપમાન 0.1 ડિગ્રી ઘટીને 21 ડિગ્રી નોંધાયું હતું.ઉત્તર ગુજરાતમાં 5 દિવસ બાદ લઘુત્તમ તાપમાન સામાન્યથી લઇ 1.4 ડિગ્રી સુધી ઉચકાયું હતું. બીજી બાજુ દિવસનું તાપમાન પણ દોઢેક ડિગ્રી સુધી વધતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 28 થી 29 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો. જેના કારણે દિવસ દરમિયાન વાતાવરણ હુંફાવળુ રહ્યું હતું.