મંગળવાર, 1 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (09:34 IST)

ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી, કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર

સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડી અને અત્યંત ઠંડા પવનની અસરના કારણે સમગ્ર ગુજરાતમાં કોકડું વળી જવાય તેવી ઠંડી પડી રહી છે. કચ્છનું નલિયા તો સૌથી ઠંડુગાર બન્યું છે. નલિયાનું લઘુતમ તાપમાન ઘટી સીઝનમાં પહેલીવાર 3.8 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો.
 
આ ઉપરાંત વહેલી સવારે ઠંડા અને સૂકા પવનને કારણે ગાત્રો થીજવી દેતી ઠંડી વર્તાઈ હતી. આ સિવાય દિવસ દરમિયાન પણ સૂસવાટા મારતો ઠંડો પવન રહેવાથી ઠંડીનો ચમકારો યથાવત્‌ રહ્યો હતો. ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ હિમવર્ષા થઈ રહી છે અને તેની અસર આસપાસના રાજ્યોમાં જોવા મળી રહી છે. ઉત્તર પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં શીતલહેર ફરી વળી છે. આગામી દિવસોમાં વધારે ઠંડી પડવાની આગાહી છે.
 
ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 5 દિવસ 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કોલ્ડ વેવ રહેશે. આ દરમિયાન કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં તીવ્ર કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્ર-રાજકોટ, પોરબંદર અને જૂનાગઢના જિલ્લાઓમાં પણ આગામી 5 દિવસ શીતલહેરની સ્થિતિ યથાવત્‌ રહેશે’.
 
હવમાન વિભાગે આ સિવાય જણાવ્યું હતું કે, અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટીને 11 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવમાં આગામી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી પણ કરી હતી.
 
આઈએમડીએ ઉમેર્યું હતું કે, આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. જ્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 4 ડિગ્રીથી નીચે જવાની આગાહી છે. ઠંડીના કારણે લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દીધું છે. આ સિવાય વહેલી સવારે અને મોડી રાતે લોકો તાપણું કરતા પણ જોવા મળે છે. 
 
અત્રે નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં શિયાળાએ જમાવટ કરી છે. ધીરે ધીરે ઠંડીનું જોર વધવા લાગ્યું છે. કચ્છમાં ચાર દિવસથી ગાત્રો થિજવતી ઠંડી પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ તાપમાન જતા લોકોને ઠંડીનો ચમકારો થયો છે.