કોરોનાના કેસ ઘટતાં આજથી ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ, બાળકોની ગૂંજી ઉઠશે શાળાઓ
રાજ્યમાં ફરી એકવાર કોરોના કહેર ઘટતાં સ્થિતિ સામાન્ય થતી જાય છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિબંધોને ધીમે ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજથી ફરી એકવાર સ્કૂલો બાળકોના કોલાહલથી ગૂંજી ઉઠશે. આજથી ધોરણ 1થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ વર્ગમાં બેસીને શિક્ષણ મેળવી શકશે.
સરકાર દ્વારા શનિવારે જાહેરાત કરવામાં આવી હતી કે સોમવારથી ઓફલાઇન સ્કૂલો શરૂ થશે. પ્રથમ દિવસે શાળાઓમાં ધોરણ.1થી 9માં 75 ટકા હાજરી રહેવાનો આશા વ્યક્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધડાધડ કોરોના કેસ વધતાં 8 જાન્યુઆરીથી ધો.1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે સોમવાર (આજ)થી ફરીવાર ઓફલાઈન વર્ગોને મંજૂરી મળી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં શાળાઓમાં સળવળાટ જોવા મળ્યો હતો. શાળા સંચાલકો, આચાર્યોએ રવિવારે જ પ્રત્યક્ષ શિક્ષણ સંબંધિત ચર્ચા, વિચાર વિમર્શ બાદ વિદ્યાર્થીઓની હાજરી મુદ્દે વાલીઓને વોટ્સએપ મેસેજ કરી દીધા હતા.
શાળાઓએ ફરીથી પુરતી તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંચાલકો દ્રારા વાલીઓને મેસેજ મોકલી બાળકોને સ્કૂલે મોકલવા માટે જાણ કરવામાં આવી છે. શાળામાં સેનિટાઈઝિંગ સહિતની વ્યવસ્થા સાથે શિક્ષકો સાથે ઓનલાઈન ચર્ચા કરી હતી. જેમાં બાળકોના ત્રણથી ચાર કલાકના શિક્ષણકાર્ય દરમિયાન જુદા જુદા વર્ગો મુદે વિચારમંથન કરાયું હતું.
શાળા સંચાલકોના મતે ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓની સ્થિતિને જોતાં સોમવારે પ્રથમ દિવસે 60થી 95 ટકા સુધીની હાજરી રહેવાની શક્યતા છે. સોમવારે પ્રથમ દિવસે સરેરાશ 75 ટકા હાજરી રહેશે. ત્યારબાદ સરેરાશ હાજરીનો રેસિયો વધશે.