રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (14:38 IST)

આજે 'વર્લ્ડ ટૂરિઝમ ડે' - ખુશ્બુ ગુજરાત કી? કરોડો રૂપિયાનો તાયફો કરાયો છતાં પરિણામ શૂન્ય

સામાન્ય રીતે વધુ સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે કોઇ એક રાજ્યમાં ઐતિહાસિક ધરોહર, ધાર્મિક મહાત્મ્ય, દરિયા કિનારો, રણપ્રદેશ, હિલસ્ટેશન જેવી લાક્ષણિક્તા હોવી જરૂરી છે. આ તમામ પ્રકારની લાક્ષણિક્તા ગુજરાતમાં મોજૂદ હોવા છતાં વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય તેવા રાજ્યમાં ગુજરાત છેક નવમાં ક્રમે છે. 27 સપ્ટેમ્બરની ઉજવણી 'વર્લ્ડ ટૂરિઝમ ડે' તરીકે કરવામાં આવશે ત્યારે પ્રવાસીઓનો ઓછો આંકડો ચિંતાજનક છે. વાત વિદેશથી આવતા પ્રવાસીઓની કરવામાં આવે તો ગુજરાતની હાલત તેમાં વધારે કથળેલી છે. સૌથી વધુ વિદેશી પ્રવાસીઓને મામલે ગુજરાત ભારતના ટોચના ૧૦ રાજ્યમાં પણ નથી. ડોમેસ્ટિક અને ફોરેન ટૂરિસ્ટ બંને મામલે તામિલનાડુ મોખરે છે. કેન્દ્રિય પ્રવાસન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2016માં 34.38 કરોડ ડોમેસ્ટિક અને 47.21 લાખ ફોરેન ટૂરિસ્ટે તામિલનાડુની મુલાકાત લીધી હતી. બીજી તરફ ગુજરાતમાં વર્ષ 2015 દરમિાન કુલ 3.62 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જ્યોર્તિલિંગ સોમનાથ, ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સફેદ રણ, સાપુતારા, સૂર્ય મંદિર જેવા સ્થળ છતાં પ્રવાસીઓનું પ્રમાણ જોઇએ તેવું નથી. પ્રવાસીઓના નીચા પ્રમાણ અંગે વિવિધ પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોને મતે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યાં સુધી ગુજરાતી પ્રવાસન સ્થળનો ખુશ્બુ ગુજરાત કી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. જોકે, તેમના દિલ્હી જતાં પ્રવાસનનો પ્રચાર સાવ ઠપ થઇ ગયો છે અને નીરસતા જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરવાના સ્થળો અંગે હજુ પણ વિશ્વ કક્ષાએ આક્રમક્તાથી પ્રસાર વધારવામાં આવે તે જરૂરી છે, માત્ર ઔપચારિક્તા ખાતર રણોત્સવ-સાપુતારા ફેસ્ટિવલ યોજવામાં આવે તે પૂરતું નથી. રણોત્સવમાં પણ મધ્યમ વર્ગને માફક આવી શકે તેવા દર રાખવા જોઇએ, જેથી વધારે સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે. હવે વર્ષ 2020 સુધીમાં વર્ષે 6 કરોડ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લે તેવો લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે. આ અંગે ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના એક અધિકારીએ જણાવ્યું હતું કે ' ગુજરાતના તહેવારો અને નવા સ્થળોને વિકસાવીને અમે વર્ષ 2020 સુધીમાં ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા 6 કરોડ સુધી લઇ જવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ. અમારું વિશિષ્ટ લક્ષ્યાંક યુવાનોને આકર્ષવાનું રહેશે. અમે યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા જેવા આંતરરાષ્ટ્રીય મંચમાં ગુજરાતના પ્રવાસન્નો પ્રચાર કરી રહ્યા છીએ. હાલમાં વિદેશી પ્રવાસીઓનું પ્રમાણ 2 ટકા છે, જે 2020 સુધીમાં વધારીને 5 ટકા કરવા માગીએ છીએ.