શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 21 જૂન 2019 (13:57 IST)

‘યોગ ફોર હાર્ટ’ થીમ પર કરાઇ યોગ દિવસની ઉજવણી, મુખ્યમંત્રીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યપાલ ઓ. પી. કોહલીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેની રાજ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજ્યમાં કાર્યરત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સ્વસ્થ તન-સ્વસ્થ મન સાથે રાજ્યના દરેક નાગરિકની સ્વાસ્થ્ય સુખાકારી માટે ભારતીય યોગ પરંપરાનો આ રાજ્ય યોગ બોર્ડ વ્યાપક પ્રચાર-પ્રસાર કરશે. પાંચમા વિશ્વ યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી આજે અમદાવાદ ખાતે યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂને ઉજવાતા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સામૂહિક યોગ સાધના યોજાઇ હતી. યોગ સાધનાના પ્રારંભે યોગસાધકોએ વીડિયોના માધ્યમથી વડાપ્રધાનનું યોગનું માર્ગદર્શન મેળવ્યું હતું.
 
રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું કે, યોગ ભારતની વિશ્વને અનોખી ભેટ છે. યોગમાં દર્શાવેલા માર્ગ પર ચાલીને ૧૦૦ વર્ષ સુધી આપણે નિરોગી બની શકીએ છીએ. યોગથી જીવનમાં સુખ-ચેનની અને શાંતિની અનુભૂતિ કરી શકીએ છીએ. તેમણે ભારતની જ્ઞાન પરંપરામાં યોગના અદભૂત પ્રદાનને બિરદાવતા જણાવ્યું કે, યોગ ભારતીય સંસ્કૃતિના પ્રતિકરૂપે વિશ્વ આખામાં ઉભર્યો છે. એટલું જ નહીં, તેને વૈશ્વિક સ્વીકૃતિ પણ મળી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. મનને શાંત કરવા યોગ એ શ્રેષ્ઠ અને સમર્થ માધ્યમ છે. સાથે સાથે યોગ શરીરને મન સાથે, મનને આત્મા સાથે અને  આત્માને પરમાત્મા સાથે જોડવાનું પણ માધ્યમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં પણ યોગનું મહત્વ પ્રસ્થાપિત થયું છે અને સ્વીકારાયું પણ છે. વિશ્વ આજે જે તનાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે યોગને જીવનશૈલી સાથે જોડવો તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું.
 
વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યનાં વધુને વધુ લોકો યોગ સાથે જોડાય તે માટે વૈજ્ઞાનિક અભિગમ સાથેની યોગ પ્રવૃત્તિ રાજ્યમાં વિકસિત કરી સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરવું છે. તેમણે કહ્યું કે, આ વર્ષના યોગ દિવસની ઉજવણીની થીમ ‘યોગ ફોર હાર્ટ’ છે. આજની ફાસ્ટ લાઇફમાં હ્રદય વધુ મજબૂત બનાવવા તથા હ્રદય જીવનપર્યંત સ્વસ્થ-નિરોગી બની કાર્યરત રહે તે જરૂરી છે ત્યારે આ થીમ ઉપયુક્ત છે. પાંચ હજાર વર્ષ પહેલા મહર્ષિ પતંજલિએ વિશ્વને યોગનું દર્શન કરાવ્યું હતું. તેમના દર્શાવેલા સર્વજન સુખાયના આધારે ‘યોગ ભગાવે રોગ’ ના મંત્રને જીવનમાં આત્મસાત કરવો પડશે. 
 
વિશ્વ યોગ દિવસની રાજ્ય ઉજવણીમાં સહભાગી થતાં તેમણે જણાવ્યું કે, દુનિયાને તનાવમુક્તિ અને તે દ્વારા વિશ્વ બંધુત્વભાવની આત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધનાએ બતાવ્યો છે. રાજ્યમાં ૧.૫ કરોડ નાગરિક ભાઈ-બહેનો-બાળકો સામૂહિક યોગ સાધનામાં જોડાયા છે તેની સરાહના કરતાં વિજય રૂપાણીએ યોગ દિવસને વિશ્વ ખ્યાતિ અપાવવાનું શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યું હતું.તેમણે આ અવસરે આહવાન કર્યું કે, સ્વસ્થ અને તંદુરસ્ત તેમજ તનાવમુક્ત જીવન માટે સૌ કોઇ આ યોગ સાધનાને એકાદ દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા પોતાની દૈનિક જીવનચર્યાનો કાયમી હિસ્સો બનાવે. આ અવસરે મુખ્યમંત્રીએ અખાડિયનો મલખમના દાવ તથા દોરડા પર યોગના દાવ વિવિધ આસનોનું નિદર્શન નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. 
 
આ પ્રસંગે રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ રાજ્યકક્ષાએ તેમજ જિલ્લાકક્ષાએ યોગ સાધકો તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ અને યુવા યોગ સાધકોને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા. પતંજલિ યોગ સમિતિના ગુજરાત પ્રભારી શીશપાલજીએ આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબના યોગ-પ્રાણાયામનો ઉપસ્થિત સૌને અભ્યાસ કરાવ્યો હતો. ‌વિશ્વ યોગ દિનની ઉજવણીના આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ આર. સી. મીના, કમિશનર જેનુ દેવન, જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, ઉચ્ચ અધિકારીઓ સહિત ધારાસભ્યો, પદાધિકારીઓ અમદાવાદ શહેરના નગરજનો મોટી સંખ્યામાં યોગ સાધનામાં જોડાયા હતા.