શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2018 (12:48 IST)

ઉત્તરાયણમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવારમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ નિયમોનું પાલન કરવું પડશે

અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના પર્વમાં અનેક પક્ષીઓની પતંગની દોરીથી પાંખો કપાતી હોય છે. ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે અનેક સેવાભાવી સંસ્થાઓ ખડેપગે સેવાઓ આપતી હોય છે, પરંતુ રાજ્ય સરકારે પક્ષીઓની સારવાર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓએ સરકારી પશુ દવાખાનામાં જ ફાળવાયેલી જગ્યાએ જ પક્ષીઓના ઓપરેશન સહિતની કામગીરી કરી શકાશે.

પક્ષીઓના મૃત્યુને લઈને શહેરમાં બર્ડફ્લૂ જેવો કોઈ રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના પગલાં ભરવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે અમદાવાદ શહેરમાં બર્ડફ્લૂએ દેખા દીધા બાદ ગુજરાત હાઈ કોર્ટે કડક ગાઈડલાઇન જાહેર કરી હતી જેથી સરકારે ઘાયલ પક્ષીઓની સારવારમાં નિયમોનું પાલન નહીં કરનારી સંસ્થાઓ સામે પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય સરકારના વનસંરક્ષક વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે, શહેરમાં ઠેર-ઠેર મેડિકલ કેમ્પ કરી ઘાયલ પક્ષીઓની પ્રાથમિક સારવારની કામગીરી કરી શકાશે નહીં. અમદાવાદમાં સરકારી પશુ દવાખાનામાં સ્વૈચ્છિક સંસ્થાઓને જગ્યા ફાળવાશે જ્યાં ઓપરેશનની કામગીરી કરવામાં આવશે. રાજ્ય સરકારના પશુપાલન ખાતા અને વનસંરક્ષક ખાતા દ્વારા ઉત્તરાયણ વખતે ઘાયલ પક્ષીઓથી બર્ડફ્લૂ ન ફેલાય તેના તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે જેમાં ગમે ત્યાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ કરી શકાશે નહીં. સાથે ઓપરેશનની કામગીરીમાં નિષ્ણાંત ડોક્ટરો રોકવા પડશે. પક્ષીઓને ટેમ્પરરી એનેસ્થેશિયા આપી શકાશે નહીં. પશુ દવાખાના સિવાય અન્ય સ્થળે કેમ્પ કરી ઘાયલ પક્ષીઓના ઓપરેશન નહીં કરી શકાય. નોનવેજ ખોરાક ન આપી શકતી સંસ્થાઓ માંસાહારી પક્ષીઓને રાખી શકશે નહીં તેવી ગાઈડલાઇન સરકારે આપી દીધી છે.