બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (11:00 IST)

નેશનલ ગેમ્સની યજમાની માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તૈયારીઓને આખરી ઓપ

૩૬મી નેશનલ ગેમની યજમાની કરવા માટે અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમા કોમ્પ્લેક્સને શણગારવામાં આવી રહ્યું છે. તેની સાથે જીમ્નાસ્ટિકનું મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે. દિલ્હીથી ખાસ મંગાવવામાં આવેલા એપ્રેટ્સ અને ટ્રેમ્પોલિન લગાવવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે, શહેરીજનો કોઇ પણ ટિકિટ વિના આ રમત નિહાળી શકશે.
 
૩૬મી નેશનલ ગેમ્સમાં રમાનારી ૩૬ રમતોમાં ૩૬ રાજ્યો તથા કેન્દ્ર શાસિતપ્રદેશોના ખેલાડીઓ ભાગ લેવાના છે. તે પૈકી વડોદરાના સમા કોમ્પ્લેક્સમાં જીમ્નાસ્ટિક થવાની છે. જીમ્નાસ્ટિકમાં કુલ ૧૭૮ ખેલાડીઓ ભાગ લેવાના છે. આર્ટિસ્ટિક, રિધમિક અને ટ્રેમ્પોલિન પ્રકારની જીમ્નાસ્ટિક થશે. મજાની વાત તો એ છે કે, લગભગ ખેલાડીઓની સમકક્ષ સંખ્યામાં એટલે કે, ૧૩૦ જેટલા નિર્ણાયકો પણ આવશે.
 
જીમ્નાસ્ટિકની એક રમતમાં ૯ જજીસ અને એક સ્કોરર એમ મળી કુલ ૧૦ વ્યક્તિ નિહાળે છે. એક ખેલાડીને રમતમાં પોઇન્ટ મેળવવા માટે ૯ જજીસની કસોટીમાંથી પસાર થવું પડે છે. ૧૦ કરામતના એક સેટ માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમાં સેટમાં જે તે કરામતની કષ્ટસાધ્યતા અને તેમાં થતી ભૂલોને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે.
 
આ ગેમની શરૂઆત થાય એ પહેલા નિર્ણાયકો અને આયોજકોની તા. ૨૯ના રોજ એક મિટિંગ થશે અને તેમાં શિડ્યુઅલ ડ્રો કરવામાં આવશે. ગુજરાતના કુલ ૧૭ ખેલાડી ભાગ લેવાના છે. તે પૈકી વડોદરાના બે ધ્રુવ ભાટિયા અને ઇશા ઠાકોર પણ ગુજરાતની ટીમમાં છે. રિધમિક જીમ્નાસ્ટિક તા. ૩ અને તા.૪ના રોજ થશે. આ રમત નિહાળવા લોકો આતૂર હોય છે.ખેલાડીઓ માટે રહેવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટર અતુલ ગોર દ્વારા નેશનલ ગેમ્સના વ્યવસ્થાપન માટે વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી છે. એરેનામાં કુલ ૧૫૦૦ વ્યક્તિની બેઠક વ્યવસ્થા છે