ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (12:49 IST)

શું તમે જાણો છો 7 વર્ષ બાદ યોજાઇ રહેલી નેશનલ ગેમ્સના ઇતિહાસ અને રસપ્રદ ફેક્ટ્સ વિશે ?

36 th national games
ગુજરાતમાં યોજાનારી ૩૬મી નેશનલ ગેમ્સના પ્રારંભને ગણતરીના દિવસો બાકી છે. રમતવીરો, યુવાનો , બાળકો, વિદ્યાર્થીઓ સાથે સમગ્ર ગુજરાત આ નેશનલ ગેમ્સની યજમાની કરવા થનગની રહ્યું છે. ૭ વર્ષના અંતરાલ બાદ યોજાઇ રહેલી નેશનલ ગેમ્સની ૩૬ જેટલી રમતો સાથે ગુજરાત પણ સમગ્ર દેશનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ૩૬મી નેશનલ ગેમ્સમાં ૩૬ જેટલી રમતો માટે દેશનાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગુજરાતનાં ૬ શહેરોમાં ખેલાડીઓ આવનાર છે. 
 
૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોમ્બર સુધી રમાનારી નેશનલ ગેમ્સમાં ૭૧૧૪ એથ્લીટ્સ ભાગ લઇને વિવિધ રમતોમાં પોતાની ખેલ પ્રતિભા ઉજાગર કરશે. જેમની સાથે ૧૫૩૦ જેટલા ટેકનીકલ ઓફિશિયલ્સ પણ સહભાગી બનશે. તદ્ઉપરાંત ૧૯૪૪ જેટલા ટીમ ઓફિશિયલ્સ અને સપોર્ટ્સ સ્ટાફ સમગ્રતયા વ્યવસ્થાપનને સરળ અને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ નેશનલ ગેમ્સમાં ૭૬૨ જેટલા સ્પોર્ટ્સ ક્ષેત્રના વોલન્ટીયર્સ પણ જોડાયા છે. અને રાજ્યભરમાંથી ૨૦૫૦ જેટલા સ્વૈચ્છિક સંસ્થાઓના સેવાભાવી લોકોએ જોડાઇને ૩૬ મી નેશનલ ગેમ્સને સફળ બનાવવા માટેની કટિબદ્ધતા દાખવી છે. 
 
અત્રે નોંધનીય છે કે, ૩૫મી નેશનલ ગેમ્સ વર્ષ ૨૦૧૫માં કેરળમાં રમાઇ હતી. જેમાં મેડલ્સ વિજેતાની સંખ્યાની દૃષ્ટિએ કેરળ દ્વિતીય ક્રમાંકે રહ્યું હતું. વર્ષ ૧૮૯૬માં પ્રથમ વખત એથેન્સમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ભારતે વર્ષ ૧૯૦૦માં પેરિસ ખાતે રમાયેલી ઓલિમ્પિક્સમાં પ્રથમ વખત ભાગ લીધો હતો. ભારતમાં વર્ષ ૧૯૨૪થી ઓલિમ્પિક્સની પરિપાટીએ નેશનલ ગેમ્સના આયોજનની શરૂઆત થઇ હતી. 
 
તે સમયે નેશનલ ગેમ્સ 'ઇન્ડિયન ઓલ્મિપ્ક્સ ગેમ્સ' તરીકે ઓળખાતી હતી. વર્ષ ૧૯૨૪થી વર્ષ ૧૯૩૮ સુધી આઠ જેટલી ઇન્ડિયન ઓલિમ્પિક્સ ગેમ્સના આયોજન બાદ વર્ષ ૧૯૪૦થી અલાયદી નેશનલ ગેમ્સની શરૂઆત બોમ્બે ખાતેથી કરવામાં આવી હતી. આઝાદીના એક વર્ષ બાદ લખનઉ ખાતે ૧૯૪૮માં ૧૩મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ ૧૯૮૫થી ઓલિમ્પિક ફોરમેટમાં નેશનલ ગેમ્સ યોજાવાની શરૂઆત થઇ. 
 
જે અંતર્ગત ૨૬મી નેશનલ ગેમ્સનું દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું. નેશનલ ગેમ્સના પરિપ્રેક્ષ્યમાં રસપ્રદ બાબત એ છે કે, દેશભરનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત ભારતીય આર્મ્ડ ફોર્સીસના કાર્યરત Services Sports Control Board (SSCB) દ્વારા પણ નેશનલ ગેમ્સમાં ભાગ લેવામાં આવે છે. જેને આર્મી સ્પોર્ટસ કંટ્રોલ બોર્ડ દ્વારા ૧૯૧૯માં કાર્યરત કરવામાં આવ્યું હતું. જે ભારતીય થળ, વાયુ, નૌ સેના ઉપરાંતની રક્ષા સેનાઓને નેશનલ ગેમ્સમાં રીપ્રેઝન્ટ કરે છે. 
 
વર્ષ ૨૦૦૭થી ૨૦૧૫ દરમિયાન યોજાયેલી ત્રણ નેશનલ ગેમ્સમાં SSCB મેડલ પ્રાપ્તિમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. હાલ ગુજરાતમાં સમર નેશનલ ગેમ્સ યોજાવા જઇ રહી છે. તે પ્રકારે જ વિન્ટર્સ નેશનલ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવે છે. આજ દિન સુધી ૫ વિન્ટર નેશનલ ગેમ્સનું આયોજન થઇ ચૂક્યું છે. ૧૯૯૬થી ગુલમર્ગ ખાતેથી શરૂઆત થઇ હતી. છેલ્લે વર્ષ ૨૦૦૮માં ૫મી વિન્ટર્સ નેશનલ ગેમ્સ ગુલમર્ગમાં યોજાઇ હતી.