ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (11:51 IST)

૩૬મી નેશનલ ગેમ્સ’-સુરતની ઉભરતી ટેબલ ટેનિસ સ્ટાર ફિલ્ઝાહ ફાતેમા કાદરીએ કહ્યું, ‘મેં અભ્યાસ બંક કરવા માટે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું’

સુરતની ઉભરતી ટેબલ ટેનિસ સ્ટાર ફિલ્ઝાહ ફાતેમા કાદરી સિનિયર નેશનલ સર્કિટમાં ભલે નવી છે, પરંતુ આ ૧૯ વર્ષીય ખેલાડીએ તેની રમતથી સાબિત કર્યું છે કે તે ન માત્ર અનુભવી વિરોધી સ્પર્ધકનો પણ મજબૂતીથી મુકાબલો કરી શકે છે, બલકે તેમના પર વિજયી પ્રહાર પણ કરી શકે છે. ફિલ્ઝાહે હોનહાર ટીટી પ્લેયર માનવ ઠક્કર સાથે મળીને આજે મિક્સ્ડ ડબલ્સના બીજા રાઉન્ડમાં મહારાષ્ટ્રની અનુભવી જોડી સાનિલ શેટ્ટી અને રિથ્રીષ્યા ટેનિસન વિરૂદ્ધ અપસેટ સર્જીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
ફિલઝાહ ફાતેમાએ પોતાની ટેબલ ટેનિસની જર્ની અને નેશનલ ગેમ્સના પ્રતિભાવો વિષે વાત એક પ્રશ્નોત્તરીમાં રસપ્રદ વિગતો શેર કરી હતી..
 
પ્રશ્ન: આ તમારી પ્રથમ નેશનલ ગેમ છે, તમારા હોમગ્રાઉન્ડ સુરતમાં પ્રથમ ગેમ રમતી વખતે કેવું અનુભવી રહ્યા છો?
ફિલ્ઝાહ: હા, આ મારી પ્રથમ નેશનલ ગેમ્સ છે. હું ખરેખર ખુશ છું કે આ ગેમ્સ અંતર્ગત મારા ઘરઆંગણે ટેબલ ટેનિસ ઈવેન્ટ યોજાઈ રહી છે. જ્યારે અમે ઇન્ડોર સ્ટેડિયમમાં પ્રવેશ્યા ત્યારે સુરતવાસીઓની ભીડે અમને ચીયર્સ કર્યું જેણે મારા ઉત્સાહમાં ખૂબ વધારો કર્યો. આજે મેં અને માનવ ઠક્કરે મિક્સ્ડ ડબલ્સમાં મહારાષ્ટ્રની મજબૂત ટીમને હંફાવવામાં સફળ રહ્યા છીએ, અને હવે ઉત્તરોત્તર વધુ સારી રમત રમવા આશાવાદી છું. 
 
પ્રશ્ન: માનવ ઠક્કર સાથે મિક્સ્ડ ડબલ્સમાં રમવાનો તમારો અનુભવ કેવો રહ્યો?
ઉત્તર: મેં માનવ સાથે પ્રથમ વખત ટીમ બનાવી. તેમની સાથે રમવાનો ઘણો આનંદ છે. માનવ ખૂબ જ સપોર્ટિવ છે. હું સ્ટાર્ટર છું અને તે ફિનિશર છે. હું તેની પાસેથી ઘણી ટીપ્સ અને ટ્રીક્સ શીખી છું, જે હવે મને આગામી ગેમ્સમાં ઉપયોગી બનશે.  
 
પ્રશ્ન: તમને રાજ્ય સરકાર તરફથી શું મદદ મળી રહી છે?
ફિલ્ઝાહ: ટીટીમાં આગળ વધવા મને સરકાર તરફથી ઉમદા સહયોગ મળી રહ્યો છે. અગાઉ, હું ‘ખેલો ઈન્ડિયા’ યોજનામાં ‘ખેલો ઈન્ડિયા કેન્દ્રો’માં તાલીમ મેળવી ચૂકી છું. રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે માટે નાણાકીય અને સ્પોર્ટ્સ સુવિધાઓ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા શક્તિદૂત યોજના અમલી છે, જેમાં મને પૌષ્ટિક આહાર, રમતગમતની અદ્યતન સુવિધા, આધુનિક સાધનો, સ્પોર્ટસકીટ, સ્પર્ધાખર્ચ, નિષ્ણાંત પ્રશિક્ષકોની સેવાઓ, મેડિક્લેમ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે મનોવૈજ્ઞાનિક કાર્યશિબિર અને સ્પોર્ટસ મેડિસીન, ટુર્નામેન્ટ ફંડની સુવિધા આપવામાં આવે છે. 
 
પ્રશ્ન: હાલ રાજ્ય સરકારની સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવાની નીતિ અંગે શું કહેશો?
ફિલ્ઝાહ: રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે. રાજ્યના રમતવીરોને પ્રોત્સાહનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને તાલીમ મળી તે માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી શક્તિદૂત યોજનાના માધ્યમથી અનેક ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે પોતાનો અલગ મુકામ બનાવ્યો છે. આ યોજનાથી રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહન મળી રહ્યું છે. ખેલમહાકુંભ રમતોત્સવ ખેલાડીઓના રમતગમત કૌશલ્ય અને આત્મવિશ્વાસમાં વધારો કરવામાં ખૂબ આશીર્વાદરૂપ બન્યો છે.
 
પ્રશ્ન: તમે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કેવી રીતે કરી?
ફિલ્ઝાહ: જ્યારે હું ૯ વર્ષ ની હતી ત્યારે મેં ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. ટીટીની મેં એટલા માટે રમતી હતી જેથી હું મારી સ્કૂલના કલાસ બન્ક કરી શકું. પરંતુ મને આ ગેમમાં રસ પડ્યો અને સખ્ત પ્રેક્ટિસ અને મહેનત વડે મેં આ ગેમ રમવાનું શરૂ રાખ્યું. ટેબલ ટેનિસથી શિસ્ત, તેજ નજર, ગતિ અને પરફેક્શન જેવા ગુણો વિકસ્યા.
 
પ્રશ્ન: ટેબલ ટેનિસ પ્લેયર તરીકે તમારૂ લક્ષ્ય શું છે?
ફિલ્ઝાહ: ભારતનું પ્રતિનિધિત્વ કરવું અને દેશ માટે મેડલો જીતવા એ મારૂ એકમાત્ર લક્ષ્ય છે. હું યુવા ટીટી ખેલાડીઓને સલાહ આપીશ કે સતત રમતા રહો. જો તાત્કાલિક સફળતા ન મળે તો પણ પ્રેક્ટિસ કરવાનું બંધ કરશો નહીં, એક દિવસ તમે ચોક્કસપણે જીતશો.