ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (12:58 IST)

કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી અહિકા મુખર્જી

નેશનલ ગેમ્સમાં રમવું એ કોઈપણ ખેલાડી માટે ગૌરવપ્રદ ક્ષણ હોય છે: અહિકા મુખર્જી
 
પાંચ વર્ષની ઉંમરે જ માતા-પિતાએ ટેબલ ટેનિસ ખેલાડી બનવાની પ્રેરણા આપી: અહિકા મુખર્જી
 
ગુજરાતમાં આયોજિત ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં તા.૨૦મી સપ્ટે.થી ટેબલ ટેનિસ સ્પર્ધાથી નેશનલ ગેમ્સનો પ્રારંભ થયો છે, જેમાં કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી અહિકા મુખર્જી ગોલ્ડ જીતવા આશાવાદી છે.
પશ્ચિમ બંગાળની અહિકા મુખર્જીએ સ્પર્ધા અગાઉ જણાવ્યું કે, ગુજરાતની નેશનલ ગેમ્સ એ મારી કારકિર્દીની પ્રથમ નેશનલ ગેમ્સ છે. કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ૨૧મી આવૃત્તિની મહિલા સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી પ્રથમ ભારતીય મહિલા બની હતી, જે મારા માટે ઐતિહાસિક ક્ષણ બની હતી, એવી જ રીતે નેશનલ ગેમ્સમાં સુરતની ધરતી પર વિજેતા બની ઈતિહાસ રચવા આતુર છું.
વધુમાં તેમણે જણાવ્યું કે, નાનપણથી જ માતા-પિતા અને પરિવારજનો પાસેથી તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથી સુરત શહેર વિશે ઘણું જાણ્યું છે. સુરતવાસીઓના ઉષ્માભર્યા સ્વાગતથી આતિથ્યભાવનાનો પ્રત્યક્ષ અનુભવ થયો. નેશનલ ગેમ્સમાં રમવું એ કોઈપણ ખેલાડી માટે ગૌરવપ્રદ ક્ષણ હોય છે. અલગ અલગ પ્રદેશ, અલગ-અલગ રહેણીકરણી, સંસ્કૃતિના લોકોને મળવાનો મોકો મળ્યો છે. અહીં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાવાન ખેલાડીઓ સાથે હરિફાઈ કરવાનો મોકો મળશે. જે મારા આત્મવિશ્વાસમાં વધારો કરવામાં ઉપયોગી બન્યા છે, હું નેશનલ ગેમ્સ સહિત આગામી સમયમાં યોજાનાર મેજર સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં સમતોલ પ્રદર્શન કરીશ એવો મને વિશ્વાસ છે.
 
અહિકા મુખર્જીએ  પોતાની કારકિર્દી વિશે જણાવ્યું હતું કે, પ.બંગાળની યુવતીઓ ડાન્સિંગ, સિંગીગ જેવા કલાક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું વધુ પસંદ કરે છે, પરંતુ મારા માતા-પિતાનું સપનુ હતું કે, હું અન્ય કરતા કંઇક અલગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવું. જેથી મને પાંચ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાની પ્રેરણા આપી અને આ રમતમાં રસ લેતી કરી. સતત પ્રેક્ટિસ અને સખત મહેનતથી ધીરે-ધીરે સફળતા મળતી ગઈ.આવનારા સમયમાં દેશ માટે જે કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં રમવાનો મોકો મળશે તો તેમાં વિજેતા બની દેશનું ગૌરવ વધારવાનું હંમેશા ધ્યેય રાખ્યું છે એમ અહિકાએ ઉમેર્યું હતું.