તુલસી સુધા : શરદી, ખાંસી તાવનો અક્સર ઈલાજ

P.R
તુલસીના પાંદડાને ગોળ અને લીંબુ સાથે મિક્સ કરી સ્વાદિષ્ટ પીણું તુલસી સુધા બનાવી શકાય છે. તમે આને તુલસીનું શરબત પણ કહી શકોછો. આ સ્વાદિષ્ટ હોવાની સાથે શરદી, તાવ, ખાંસી, માથાનો દુખાવો અને પેટના ગેસ સહિત એસિડિટી જેવા રોગોનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ હોય છે. પાચન માટે તે સારું હોય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. જાણીએ તે બનાવવાની રીત...

સામગ્રી - અંદાજે 100 તુલસીના પાંદડા. 3/4 કપ ગોળ, 5 લીંબુનો રસ, 10 નાની ઇલાયચી, 10 કપ પાણી.

બનાવવાની રીત- લીંબુનો રસ કાઢી લો. તુલસીના પાંદડા અને ઇલાયચીને લીંબુના રસ સાથે બારીક પીસી લો. પાણીમાં ગોળ નાંખી ઉકળવા મૂકી દો અને ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો. પાણી થોડું ગરમ રહે એટલે તેમાં તુલસી અને લીંબુના રસ સાથે બનાવેલી ઇલાયચીની પેસ્ટ નાંખી 2 કલાક માટે ઢાંકીને મૂકી દો.

સારી રીતે ઠંડુ થાય એટલે તુલસીનું શરબત ગાળી લો. તૈયાર છે તુલસી સુધા અર્થાત્ તુલસીનું સ્વાદિષ્ટ શરબત. ગરમીની ઋતુમાં ઠંડા કે સામાન્ય તાપમાન પર તુલસી સુધા પીવો અને શિયાળામાં તમે ગરમ-ગરમ ચાની જેમ પણ આ શરબતનું સેવન કરી શકો છો. તમે તુલસી સુધા ફ્રીઝમાં રાખી મૂકીને 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો :