શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 30 ઑગસ્ટ 2021 (09:28 IST)

Tokyo Paralympics: અવનિ લખેરાએ ગોલ્ડ જીતીને રચ્યો ઈતિહાસ, પૈરાલંપિક રમતમાં બનાવ્યો રેકોર્ડ

ભારતીય નિશાનેબાજ અવનિ લખેરા (Avani Lekhara) એ ટોક્યો પૈરાલંપિક રમતમાં (Tokyo Paralympics) ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. અવનીએ મહિલાઓની 10 મીટર એર રાઇફલના વર્ગ એસએચ1 ફાઇનલમાં 249.6 અંક બનાવીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી અને પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે ચીનની ઝાંગ કુઇપીંગ (248.9 અંક) ને પાછળ છોડી દીધી. યુક્રેનની ઇરિયાના શેતનિક (227.5) એ બ્રોન્ઝ મેડલ જીત્યો. પેરાલિમ્પિક ગેમ્સમાં નિશાનેબાજીમાં સ્પર્ધામાં ભારતનો આ પહેલો મેડલ છે. ટોક્યો પેરાલિમ્પિક્સ(Paralympics 2020)માં આ દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ પણ છે.
 
અવનીએ આ ઈવેંટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 21 નિશાનેબાજની વચ્ચે સાતમા સ્થાને રહીને ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો. તેણે 60 સીરીઝના છ શોટ પછી 621.7નો સ્કોર બનાવ્યો, જે ટોચના આઠ નિશાનેબાજોમાં સ્થાન બનાવવા માટે પૂરતો હતો. આ ભારતીય નિશાનેબાજે શરૂઆતથી અંત સુધી સાતત્ય જાળવી રાખ્યું અને સતત 10 થી વધુ સ્કોર બનાવ્યો.
 
પેરાલિમ્પિક ગેમ્સમાં પદક જીતનાર માત્ર ત્રીજી ભારતીય મહિલા
 
અવની લખેરા પેરાલિમ્પિક્સમાં ભારત તરફથી મેડલ જીતનાર ત્રીજી મહિલા છે. ભાવિના પટેલ પેરાલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં ભારત તરફથી મેડલ જીતનાર બીજી મહિલા છે. દીપા મલિક પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેમણે રિયો પેરાલિમ્પિક્સ 2016 માં 4.61 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની કમર નીચેનો ભાગ લકવાગ્રસ્ત છે.
 
પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ચોથી ભારતીય ખેલાડી
 
પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર અવની લખેરા ચોથી ભારતીય ખેલાડી છે. પેરાલિમ્પિક્સ રમતમાં ભારતને પ્રથમ  ગોલ્ડ 1972  મુરલીકાંત પેટકરે અપાવ્યો હતો.  પેટકરે પુરુષોની 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં 37.33 સેકન્ડના સમય સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવા સાથે ગોલ્ડ પણ જીત્યો હતો.  ભારતનો આ પેરાલિમ્પિક ગેમ્સમાં પહેલો મેડલ હતો. ત્યારબાદ દેવેન્દ્ર ઝાઝરિયાએ એથેન્સ ઓલિમ્પિક 2004 અને રિયો ઓલિમ્પિક 2016 માં ભારતને જેવલિન થ્રોમાં ગોલ્ડ અપાવ્યો હતો. સાથે જ  મરિયપ્પન થંગાવેલુએ ઊંચી કૂદ સ્પર્ધામાં 1.89 મીટરના કૂદકા સાથે રિયો ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
 
ઓલિમ્પિક-પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર 6ઠ્ઠી ભારતીય
 
અવની લાખેરા ઓલિમ્પિક-પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર છઠ્ઠી ભારતીય છે. તેમના પહેલા મુરલીકાંત પેટકર, દેવેન્દ્ર ઝાઝરીયા અને મરિયપ્પન થંગાવેલુ પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતી ચૂક્યા છે. ઓલિમ્પિક ગેમ્સમાં અભિનવ બિન્દ્રાએ બેઇજિંગ ઓલિમ્પિક 2008 માં ગોલ્ડ જીત્યો હતો જ્યારે નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.