ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2017
Written By
Last Modified: બુધવાર, 4 જાન્યુઆરી 2017 (11:09 IST)

ગુજરાતમાં તમામ સમાજની હાંકલ વાઈબ્રન્ટના નામે તાયફાઓ નહીં થવા દઇએ

પહેલાંથી પાટીદાર આંદોલન, દલિત આંદોલન, ઠાકોર સેનાના આંદોલન, નોટબંધી સહિતના મુદ્દે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાત સરકારની મુશ્કેલીમાં 6 તારીખે વધારો થાય તો નવાઈ નહીં. અલગ અલગ મુદ્દે લડત આપી રહેલાં અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, વરૂણ પટેલ, કેતન પટેલ, બ્રહ્મસમાજ, મુસ્લિમ સમાજ, જૈન સમાજ અને ખેડૂત સમિતીના લોકો બેરોજગારી મુદ્દે એક મંચ પર જોવા મળ્યા હતા. આ યુવા નેતાઓએ હુંકાર કર્યો હતો કે, 'ગુજરાતના યુવાનોની બેરોજગારી સંદર્ભે તમામ સમાજ એક સાથે છે, જો સરકાર અમારું નહીં સાંભળે તો અમે વાઇબ્રન્ટના તંબુ ઉખેડી નાખીશું. સરકારના મંત્રીઓ તો શું મોદીને પણ વાઇબ્રન્ટ સુધી પગ મુકવા નહી દઇએ.  અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, 'અત્યાર સુધી વાઇબ્રન્ટના નામે કરોડો રૂપિયાના એમઓયુ નેતાઓના લાગતા વળગતા દ્વારા થઇને આંકડો મોટો દેખાડાયો છે અને તેની સામે ગુજરાતીઓને નોકરીઓ મળતી નથી. આ પ્રમાણે વાઈબ્રન્ટના નામે થતા તાયફાઓ હવે નહીં થવા દઇએ. આજે દરેક સમાજ બેરોજગારીની પીડાથી પીસાઇ રહ્યો છે અને તેના માટે તમામ એક સાથે આવીને ઉભો રહ્યો છે. જો ગુજરાત સરકાર દ્વારા એમઓયુ થયા બાદ 85 ટકા ગુજરાતીઓને રોજગારી નહીં આપે તો અમે આગળ આકરા પગલાં લઈશું અને તેના માટે સરકાર જ જવાબદાર રહેશે. અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે, 'આવનારા ત્રણ મહિનામાં ત્રણ લાખ યુવાનોને નોકરી નહીં મળે તો આવનારી 2017ની ચૂંટણીમાં અમે તખ્તો પલટી નાખીશું. મોદી સાહેબે અચ્છે દીનની વાત કરી હતી તે અચ્છે દીન અમને દેખાતા નથી. જ્યારે સાહેબ કહેતાં હતાં કે સૌનો સાથ સૌનો વિકાસ તો આ વિકાસમાં અમે તમેને કેમ દેખાતા નથી. 6 જાન્યુઆરીએ તમામ સમાજના લોકો ભેગા મળીને બેરોજગાર યાત્રા બેનર હેઠળ બેચરાજીથી અમદાવાદ સુધી રેલી યોજનાર છે જેમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે.