1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024
Written By
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (20:03 IST)

10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રેકોર્ડ બ્રેક 26.33 લાખ કરોડના 41,299 MoU થયા

vibrant gujarat summit 2024
- વાઇબ્રન્ટ સમિટમાં 35 દેશ પાર્ટનર કન્ટ્રી બની
- 98,540 પ્રોજેક્ટ્સ માટે 45 લાખ કરોડથી વધુના રોકાણો
- વાઇબ્રન્ટ ગુજરાતની સ્મૃતિમાં 20નો સિક્કો, ટપાલ ટિકિટ તથા ઈ-કૉફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવ્યા

મહાત્મા મંદિર ખાતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સમાપન થયું હતું. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. આ 10મી વાઇબ્રન્ટ સમિટમાં રેકોર્ડ બ્રેક 26.33 લાખ કરોડના 41,299 MoU થયા છે. 98,540 પ્રોજેક્ટમાં કુલ 45 લાખ કરોડથી વધુના એમઓયુ કરવામાં આવ્યા છે. આ વાઇબ્રન્ટ સમિટમાં 35 દેશ પાર્ટનર કન્ટ્રી બની છે. જે અત્યાર સુધીની સૌથી વધુ પાર્ટનર કન્ટ્રી છે. 50 ટકા MoU ગ્રીન ગ્રોથના થયા છે. 
 
26.33 લાખ કરોડના રોકાણો માટેના MoU થયા
2022માં કોરોનાને કારણે મુલત્વી રહેલી વાઇબ્રન્ટ સમિટમાં 57,241 પ્રોજેક્ટ્સમાં 18.87 લાખ કરોડના રોકાણોના MoU થયા હતા. વાયબ્રન્ટ સમિટની આ 10મી કડીમાં વર્ષ 2024માં 41,299 પ્રોજેક્ટ્સમાં 26.33 લાખ કરોડના રોકાણો માટેના MoU થયા છે. કુલ મળીને 98,540 પ્રોજેક્ટ્સ માટે 45 લાખ કરોડથી વધુના રોકાણો માટે MoUની રેકોર્ડ બ્રેક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે. ખાસ કરીને રિલાયન્સ દ્વારા 5 લાખ કરોડ, અંદાણી દ્વારા 2 લાખ કરોડ અને NTPC દ્વારા 90 હજાર કરોડના MoU કરવામાં આવ્યા છે.
 
આ સમિટમાં કુલ 131943 રજિસ્ટ્રેશન થયા હતા
ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે જણાવ્યું હતું કે, આ પ્રથમ સમિટમાં 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. જેમાં યુએઈ, મોઝામ્બિક, ચેક રિપબ્લિકન અને તિમોર લેસ્ટે એમ ચાર દેશોના વડાઓ, વિયેતનામના નાયબ વડાપ્રધાન સહિત 40થી વધારે મંત્રીઓ, 140થી વધુ દેશોના 61 હજારથી વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા. આ સમિટમાં કુલ 131943 રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં 3590 વિદેશી પ્રતિનિધિઓ હતા. વડાપ્રધાનના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાતની સ્મૃતિમાં 20નો સિક્કો, ટપાલ ટિકિટ તથા ઈ-કૉફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવ્યા હતા.આ સમિટમાં ગ્રીન એમઓયુ પર ફોકસ કરવામાં આવ્યું હતું અને રિન્યુએબલ એનર્જી, ઈવી, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર વગેરે પર વિશેષ સેમિનાર યોજવામાં આવ્યા હતા.