મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2019
Written By
Last Updated : રવિવાર, 23 જૂન 2019 (12:47 IST)

IND Vs AFG : શામીની હેટ્રિકે અફઘાનિસ્તાન પાસેથી મૅચ છીનવી, ભારતની દિલધડક જીત

મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લેતાં વર્લ્ડ કપમાં અત્યંત રોમાંચક બનેલી લીગ મૅચમાં ભારતે શનિવારે અફઘાનિસ્તાનને 11 રનથી હરાવીને પોતાની વિજયકૂચ જારી રાખી હતી.
ભારત માટે અપેક્ષા કરતાં વિપરીત પરિણામ આવ્યું હતું કેમ કે કોહલીની ટીમે સંઘર્ષ કરવો પડ્યો હતો.
જોકે, વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતે પોતાનો 50મો વિજય હાંસલ કરીને મૅચ યાદગાર બનાવી દીધી હતી. આ સાથે પૉઇન્ટ ટેબલમાં ભારત ત્રીજા ક્રમે આવી ગયું હતું.
એક તબક્કે મૅચ રસાકસીભરી બની હતી અને ભારત માટે ચિંતાનો વિષય હતો પરંતુ છેલ્લી ઓવરમાં મોહમ્મદ શમીએ સાટું વાળી દીધું હતું.
તેણે જામી ગયેલા બૅટ્સમૅન મોહમ્મદ નબીને આઉટ કર્યા બાદ બાકીના બંને બૅટ્સમૅનને પહેલા બૉલે બૉલ્ડ કર્યા હતા.
1987માં ચેતન શર્માએ હેટ્રિક લીધી ત્યાર બાદ વર્લ્ડ કપમાં ભારત માટે શમીની આ બીજી હેટ્રિક હતી.
 
રોઝ બાઉલની વિકેટ ઉપર ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતે 50 ઓવરને અંતે આઠ વિકેટે 224 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. અફઘાનિસ્તાને 49.5 ઓવરમાં 213 રન કર્યા હતા.
225 રનના સામાન્ય કહી શકાય તેવા લક્ષ્યાંક સામે રમતાં અફઘાનિસ્તાને સારી લડત આપી હતી.
રહેમત શાહ અને ગુલબદિન નાયબે એક સમયે ભારતીય છાવણીમાં ચિંતા પેદા કરી દીધી હતી.
બંનેએ ટીમનો સ્કોર 100 ઉપર પહોંચાડ્યો ત્યારે કોહલીએ બૉલિંગમાં ચતુરાઈપૂર્વક પરિવર્તન કરીને જસપ્રિત બુમરાહને લાવ્યો હતો.
બુમરાહે હંમેશાંની માફક તેના કૅપ્ટનને નિરાશ કર્યો ન હતો અને એક ઓવરમાં બે વિકેટ ખેરવી દીધી.
29મી ઓવરના ચોથા બૉલે તેણે રહેમત શાહને બાઉન્ડ્રી પર ઝડપાવી દીધો હતો તો એ જ ઓવરના છેલ્લા બૉલે તેણે પોતાની જ બૉલિંગમાં શાહિદીનો કૅચ ઝડપ્યો હતો. રહેમતે 36 રન ફટકાર્યા હતા.
આ સાથે અફઘાનિસ્તાનનં પતન થયું હતું. યુઝવેન્દ્ર ચહલે 35મી ઓવરમાં અસગર અફઘાનને બૉલ્ડ કર્યો હતો.
 
રોહિત નિષ્ફળ, ભારતની ધીમી શરૂઆત
અગાઉ વિરાટ કોહલીએ ટૉસ જીત્યો ત્યારે એમ લાગતું હતું કે ભારત આ પિચ પર આસાનીથી 400ની આસપાસનો સ્કોર નોંધાવશે.
રોહિત શર્માનું વર્તમાન ફૉર્મ અને તેમાંય પાકિસ્તાન સામેની તેની ઇનિંગ્સને યાદ કરીને તેની પાસેથી જંગી સ્કોરની અપેક્ષા રખાતી હતી.
જોકે, રોહિત નિષ્ફળ રહ્યો હતો અને મુજીબ રહેમાનની બૉલિંગમાં બૉલ્ડ થયો હતો. વર્તમાન વર્લ્ડ કપમાં પહેલી વાર ભારતીય બૅટ્સમૅન હરીફ ટીમના સ્પિનર સામે આઉટ થયો હતો.
ભારત માટે રોહિતની વિકેટ આધાતજનક હતી તો 15મી ઓવરમાં લોકેશ રાહુલ પણ આઉટ થઈ ગયો હતો. તેણે 30 રન કર્યા હતા પરંતુ ભારત અત્યાર સુધી ધીમું રમ્યું હતું.
વિરાટ કોહલી આસાનીથી રમી રહ્યો હતો. તેની પાસેથી પણ સદીની જ અપેક્ષા રખાતી હતી.
ચોથા ક્રમે આવેલા વિજય શંકરે પણ રનરેટ વધારવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો.
કોહલી તેની કારકિર્દીની 52મી અડધી સદી નોંધાવ્યા બાદ થોડો આક્રમક બન્યો હતો અને ભારત 300 સુધી પહોંચી જશે તેમ લાગતું હતું ત્યારે જ મોહમ્મદ નબીએ તેને આઉટ કરી દીધો હતો.
ભારતીય સુકાની 63 બૉલમાં 67 રન ફટકારીને આઉટ થયો હતો.
 
ધોની અને જાધવની ધીમી રમત
કોહલીની વિકેટ બાદ ધોની સાથે કેદાર જાધવ જોડાયો હતો. બંને વિકેટ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ કરવામાં ટીમની રનરેટ પર માઠી અસર પડી હતી.
ધોની વધારે ધીમું રમતો હતો. તે સ્ટ્રાઇક બદલવામાં પણ નિષ્ફળ રહ્યો હતો જેને કારણે એક સમયે 300ના સ્કોરની અટકળ થતી હતી તે ઘટીને 250 પર આવી ગઈ હતી.
ભારતીય ઇનિંગ્સની મિડલ ઓવરમાં અફઘાન બૉલર્સે પણ ચુસ્ત બૉલિંગ કરી હતી.
અગાઉની મૅચોની સરખામણીએ શનિવારે અફઘાનિસ્તાનના બૉલર વધુ સારી રીતે બૉલિંગ કરી રહ્યા હતા.
તેમને ભારતના સૌથી અનુભવી બૅટ્સમૅન ધોનીને અંકુશમાં રાખવામાં પણ સફળતા મળી હતી.
ધોનીએ બાવન બૉલમાં માત્ર 28 રન નોંધાવ્યા હતા તો જાધવે 52 રન કર્યા હતા પરંતુ તે માટે તે 68 બૉલ રમ્યો હતો. ભારતીય ઇનિંગ્સની એકમાત્ર સિક્સર જાધવે ફટકારી હતી.
અફઘાનિસ્તાનના બૉલર્સમાં કૅપ્ટન ગુલબદિન નાયબ અને રશીદ ખાને બે બે વિકેટ લીધી હતી પરંતુ પ્રશંસનીય બાબત એ રહી હતી કે તેના તમામ બૉલરને કમસે કમ એક વિકેટ જરૂર મળી હતી.