રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (09:48 IST)

કડીની મેડા આદરજ પ્રાથમિક શાળાના 11 શિક્ષક માનસિક ત્રાસ આપતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

કડી તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ મંગળવારે અમદાવાદના ઘાટલોડિયા સ્થિત નિવાસસ્થાને ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે.

મેડા આદરજ શાળાનાં 11 શિક્ષકો અને કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માનસિક ત્રાસ આપતાં હોવાની સુસાઈડ નોટ લખતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. કડી તાલુકાના ચંદનપુરા (થોળ) ગામનાં જયશ્રીબેન પોપટભાઈ પટેલ મેડા આદરજ પ્રાથમિક શાળામાં વર્ષ 2011થી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જયશ્રીબેને ઘાટલોડિયા સ્થિત નિવાસ સ્થાને 4 પેજની સુસાઈડ નોટ લખી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં અમદાવાદની સત્તાધાર ચોકડી સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જ્યાં 72 કલાક ક્રિટિકલ હોવાનું ફોઈના દીકરા પ્રફુલભાઈ ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.

સ્યુસાઈડ નોટમાં જયશ્રીબેન પટેલ દ્વારા કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પુષ્પાબેન ભીલ અને મેડા આદરજ પ્રાથમિક શાળાના 2 શિક્ષક અને 9 શિક્ષિકા મળી 11 શિક્ષકો સામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો છે. ગોઝારિયાનાં વતની અને શિક્ષિકાના ફોઈના દીકરા પ્રફુલભાઈ પટેલે કહ્યું હતું કે, ઘાટલોડિયા પોલીસને જાણ કરતાં તેઓ ભાનમાં આવે પછી જાણ કરવા કહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ગૌરાંગ વ્યાસે કહ્યું કે, મેડા આદરજ પ્રાથમિક શાળામાં શિક્ષકોના 2 ગૃપ થઈ ગયા છે. શિક્ષિકા અને આચાર્ય સામે શાળાના અન્ય શિક્ષકોએ રજૂઆત કરી હતી. જેની તપાસ કડી ટીપીઈઓને આપી હતી. તપાસનો અહેવાલ આવી જતાં શનિવારે સુનાવણી પણ રાખી હતી. શિક્ષિકાના આપઘાતના પ્રયાસ અંગે મને કોઇ જાણ નથી.