શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (10:33 IST)

કોર્પોરેટ કંપની માફક દારૂનો ધંધો કરતા ગુજરાતના બુટલેગર વિનોદ સિંધી સામે પોલીસની રેડ કોર્નર નોટિસ

સમગ્ર રાજ્યમાં કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો ધંધો કરનાર સૌથી મોટા બુટલેગર વિનોદ સિંધી સામે હવે પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવું બન્યું છે. વિજિલન્સ વિનોદની તપાસ કરતા તે દુબઈ ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરાઈ છે. તેના સંપર્કોથી થતી દારૂની ડિલિવરી સામે આવનારા સમયમાં કડક કાર્યવાહી થશે તે નિશ્ચિત બન્યું છે.ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી દારૂનો વેપાર કરતાં વિનોદ સિંધીને પકડવા માટે વિજિલન્સની ટીમ આકાશ-પાતાળ એક કરી રહી હતી. ત્યારે એના પાસપોર્ટ નંબરની વિગત પોલીસને મળી અને ખબર પડી કે વિનોદ સિંધી ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો છે. એક કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો વેપાર કરતા વિનોદ સિંધી અને તેના સાથીઓ જેમાં નાગદાન ગઢવી સહિતના મોટા બુટલેગરો સામેલ છે. તેની સાથે અમદાવાદના સોનુ સિયાપિયા અને અન્ય બુટલેગરો પણ સામેલ હતા.વિનોદ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરે છે. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ જગ્યાએ કઈ રીતે દારૂ સપ્લાય કરવો, કઈ ગાડીમાં ક્યાં જીપીએસ લગાવવું. પોલીસથી કઈ રીતે બચવું તેમજ ક્યાં, કોને કેટલા પૈસા આપવા એ તમામ વિગત અગાઉથી જ નક્કી હોય છે. વિનોદ સિંધી દરેક ગાડી જેમાં દારૂ ભર્યો હોય છે, એનું મોનિટરિંગ કરવા માટે એના વિસ્તારમાં આવતા અલગ અલગ લોકોને કામ સોંપતો હતો. જેના આધારે દારૂની ડિલિવરી થાય ત્યારબાદ આંગડિયાથી રૂપિયા કે હવાલાથી રૂપિયા મેળવવા માટે રીતસરની વ્યવસ્થા ગોઠવી રાખી હતી.વિનોદ સિંધી ગુજરાતના 38થી વધુ કેસમાં વોન્ટેડ છે, જેમાં અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ મોટા કેસ છે. જ્યાં ક્યાંક ને ક્યાંક તેનું નામ ખૂલ્યું છે. કારણ કે ગુજરાતમાં જે પણ દારૂ આવે છે, તે વિનોદ સિંધીના હિસાબે જ આવે છે. એક સમયે વડોદરામાં નમકીનનો ધંધો કરતો વિનોદ સિંધી દારૂ પીવા બેઠો હતો અને તેને દારૂ ડિલિવરીનો વિચાર આવ્યો હતો. ત્યારથી તે દારૂનો એકમાત્ર લિકર માફિયા તરીકે મોટો થયો છે. તેની સામે રાજસ્થાનમાં પણ સંખ્યાબંધ ગુના નોંધાયા છે. તે મધ્યપ્રદેશ હરિયાણા અને અન્ય રાજ્યમાંથી પણ ગુજરાતમાં દારૂ ઠલવવામાં સક્રિય છે.મળતી માહિતી પ્રમાણે, ગુજરાત પોલીસના મોટા મોટા પોલીસ કર્મચારીઓ હોય કે નાનો કોન્સ્ટેબલ એ વિનોદ સિંધીના ક્યાંક સંપર્કમાં હોય છે. કારણ કે તેને દારૂની ગાડી લાવવા માટે ક્યાંક મદદ થતી હોવાની પણ અગાઉ ચર્ચા થતી હતી. ત્યારે આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. વિજિલન્સના અધિકારીએ વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ બહાર પાડીને ગુજરાતમાં બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. અગાઉ વિનોદ સિંધીનો સાથી નાગદાન ગઢવી પકડાઈ ચૂક્યો હતો, તેની 29 ઓડિયો ક્લિપે તમામ રાઝ ખોલી નાખ્યાં છે. જેના આધારે હવે વિનોદ સિંધીની ધરપકડ શક્ય હતી. પરંતુ તેને ખબર પડી ગઈ કે હવે વિજિલન્સ તેને પકડી શકશે, તે પહેલાં જ તે દુબઈ ભાગી ગયો છે. વિનોદ સિંધી પોતાના દારૂના નેટવર્ક માટે ક્યાં કોને કેટલા રૂપિયા આપવા તે પણ ફોનથી નાગદાન ગઢવી સાથે વાત કરી હતી, તે ઓડિયો ક્લિપથી હવે સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતમાં ક્યાં ક્યાં કોણ દારૂના નેટવર્કમાં સંડોવાયેલું છે તેના પરથી હવે પડદો ઊઠવાની શક્યતા છે.