રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 22 સપ્ટેમ્બર 2019 (11:16 IST)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા, શું થશે 'Howdy Modi'માં?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત દિવસના પ્રવાસે અમેરિકા પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે વખત મળશે.
બન્ને નેતા 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં મળશે અને એ વખતે મોદી અમેરિકામાં રહેતા ભારતીયોને સંબોધશે.
હ્યુસ્ટનમાં યોજાઈ રહેલા 'Howdy Modi' સમારોહમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ સામેલ થશે.
બન્ને નેતાઓ 24 સપ્ટેમ્બરે ન્યૂયૉર્કમાં પણ મળશે, જ્યાં મોદી સંયુક્ત રાષ્ટ્રના વાર્ષિક મહાધિવેશનમાં હાજર રહેશે.
 
'Howdy Modi'માં શું હશે?
'Howdy Modi' નું આયોજન અમેરિકાના ટૅક્સાસમાં રહેતા ભારતીયોના એક સંગઠન 'ઇન્ડિયા ફોરમ' દ્વારા કરાયું છે.
હ્યુસ્ટનના 'એનઆરજી સ્ટેડિયમ'માં યોજાનારો ત્રણ કલાકનો આ કાર્યક્રમ ભારતીય સમયાનુસાર રવિવાર રાતે સાડા આઠ વાગ્યે શરૂ થશે.
અહીં મોદી અને ટ્રમ્પની હાજરીમાં સંગીત-નૃત્ય રજૂ કરવામાં આવશે અને એ બાદ બન્ને નેતા મેદનીને સંબોધશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર આ કાર્યક્રમની શરૂઆત 90 મિનિટના સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવશે, જેમાં અમેરિકામાં વસેલા ભારતીયોનો અમેરિકા પ્રત્યેનો લગાવ રજૂ કરાશે.
આ પ્રસ્તુતિ દરમિયાન સમગ્ર અમેરિકામાંથી આવેલા 400 કલાકારો તથા અન્ય લોકો ભાગ લેશે અને કુલ 27 ગ્રૂપ પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે.
કાર્યક્રમ હિંદી, અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં રજૂ કરાશે.
ટીઆઈએફ અનુસાર આ સમારોહમાં 50 હજારથી વધુ લોકો હાજર રહેશે.
એવું પણ જણાવાઈ રહ્યું છે કે કાર્યક્રમમાં અમેરિકાના લગભગ 60થી વધુ સાંસદો હાજર રહેશે, જેમાં હવાઈથી અમેરિકાનાં પ્રથમ હિંદુ મહિલા સાંસદ તુલસી ગૅબાર્ડ અને ઇલિનૉયના સાંસદ રાજ કૃષ્ણમૂર્તિ પણ સામેલ છે.